સામાજિક કાર્યકર અંજલિ દમણિયાનો ધનંજય મુંડે પર વધુ એક ગંભીર આરોપ

23 January, 2025 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિનિસ્ટર હોવા છતાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતાની માલિકીની કંપનીને રાજ્યની પાવર કંપનીએ કૉન્ટ્રૅક્ટ આપ્યો હતોઃ જો આક્ષેપ સાચો હોય તો ઑફિસ ઑફ પ્રૉફિટ કાયદા હેઠળ તેમનું વિધાનસભ્યપદ પણ જઈ શકે છે

અંજલિ દમણિયા અને ધનંજય મુંડે

સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નજીકના નેતા ધનંજય મુંડે અને તેમના સહયોગી વાલ્મીક કરાડ પર ગઈ કાલે ઑફિસ ઑફ પ્રૉફિટના નિયમનો ભંગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ગઈ કાલે મુંબઈમાં રાજ્યનાં પોલીસ વડા રશ્મિ શુક્લાને મળ્યા બાદ અંજલિ દમણિયાએ પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘મેં આજે પોલીસ વડા રશ્મિ શુક્લાને મળીને બીડની સ્થિતિ અને દહેશત વિશે વાત કરી હતી. મેં તેમને ધનંજય મુંડેની તમામ કંપનીની માહિતી આપી છે. ઇન્ડસ્ટ્રિયલ સર્વિસિસ, ટર્ટલ્સ લૉજિસ્ટિક્સ લિમિટેડ, જગમિત્ર શુગર નામની કંપનીઓ ધનંજય મુંડેની માલિકીની છે. આ કંપનીમાં રાજશ્રી મુંડે અને વાલ્મીક કરાડ પાર્ટનર છે. રાજ્ય સરકારની મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડે ધનંજય મુંડેની આ કંપનીઓને કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. એક મિનિસ્ટરની કંપનીને સરકારી કંપની કઈ રીતે કૉન્ટ્રૅક્ટ આપી શકે? વિધાનસભ્ય કે સંસદસભ્ય આવી રીતે પોતાની કંપની માટે કોઈ પણ લાભ લેતા હોય તો ઑફિસ ઑફ પ્રૉફિટના નિયમનું ઉલ્લંઘન છે. આ પુરવાર થાય તો ધનંજય મુંડેએ પ્રધાનપદ જ નહીં, વિધાનસભ્યનું પદ પણ ગુમાવવું પડી શકે છે.’

અંજલિ દમણિયા આ પહેલાં પણ ધનંજય મુંડે અને વાલ્મીક કરાડ પર અનેક આરોપ કરી ચૂક્યાં છે અને ધનંજય મુંડેને પ્રધાનપદ પર રહેવાનો કોઈ અધિકાર ન હોવાનું પણ કહ્યું છે.

સંતોષ દેશમુખના હત્યારાને ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએઃ એકનાથ શિંદે

બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં હવે ધનંજય મુંડેએ પણ દોષીને ફાંસીની સજા કરવાની માગ કરી છે. ગઈ કાલે આવી જ ડિમાન્ડ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ ‌શિંદેએ આ નિર્મમ હત્યાના કેસમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે જે રીતે સંતોષ દેશમુખની હત્યા કરવામાં આવી છે એ જોતાં આરોપીને ફાંસીથી ઓછી સજા થવી જ ન જોઈએ. આ કેસમાં ધનંજય મુંડેના વિશ્વાસુ ‌વાલ્મીક કરાડ સામેલ હોવાનો આરોપ થઈ રહ્યો છે ત્યારે તેમનું આ વિધાન મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. ગઈ કાલે વાલ્મીક કરાડની પોલીસ-કસ્ટડી પૂરી થતાં કોર્ટે તેને જેલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. 

pankaja munde eknath shinde Crime News mumbai crime news crime branch