12 June, 2024 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરસાદી માહોલ
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં મૉન્સૂન ધીમે-ધીમે જામી રહ્યું છે. ગઈ કાલે થાણે સિટીમાં બપોરે ૩.૩૦ વાગ્યા સુધી ૪૮.૭૭ મિલીમીટર (એમએમ) વરસાદ નોંધાયો હતો. થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના વડા યાસીન તડવીના જણાવ્યા અનુસાર ‘અત્યાર સુધીમાં થાણેમાં ૧૪૧.૯૦ એમએમ વરસાદની નોંધ થઈ છે. વરસાદને કારણે પાણી ભરાવાની અને ઝાડ પડવાની ઘટનાઓની કુલ ૨૩ ફરિયાદ આવી હતી. આ સિવાય ગઈ કાલે શહેરમાં છૂટાંછવાયાં ઝાંપટાં આવ્યાં હતાં.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ સહિત MMRમાં આજે છૂટાંછવાયાં ઝાંપટાં પડતાં રહેશે. કોઈ-કોઈ જગ્યાએ ગાજવીજ અને કડાકાભડાકા સાથે પણ વરસાદનાં ઝાંપટાં પડી શકે છે. મૉન્સૂન બેસવાના કારણે દિવસના તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી નોંધાયું હતું.