midday

ગોરેગામ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામકાજ પૂરું કરવા ૧૦ કલાકનો બ્લૉક

05 October, 2024 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેલ એક્સપ્રેસ ટ્રેન જે પાંચમી લાઇન પર દોડે છે એ આ બ્લૉકના સમય દરમ્યાન અંધેરીથી બોરીવલી વચ્ચે લોકલના ફાસ્ટ ટ્રૅક પર દોડશે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ગોરેગામ અને કાંદિવલી વચ્ચે નાખવામાં આવી રહેલી છઠ્ઠી લાઇનનું કામકાજ પૂરું કરવા શનિવાર રાતે ૧૧ વાગ્યાથી રવિવારે સવારે ૯ વાગ્યા સુધી પાંચમી લાઇન પર મેજર બ્લૉક લેવામાં આવ્યો છે. એ ઉપરાંત શનિવાર રાતે ૧૧ વાગ્યાથી મધરાત બાદ ૩.૩૦ વાગ્યા દરમ્યાન કાંદિવલીથી ગોરેગામ જતો ફાસ્ટ ટ્રૅક પણ બ્લૉક રાખવામાં આવ્યો છે.

આ બ્લૉકને કારણ‌ે પચાસ ટ્રેન કૅન્સલ કરવામાં આવી છે, જ્યારે અગિયાર ટ્રેનને શૉર્ટ-ટર્મિનેટ કરવામાં આવશે. છઠ્ઠી લાઇન માટે ગોરેગામ અને કાંદિવલી વચ્ચેનો આ છેલ્લો બ્લૉક છે. એ પછી કાંદિવલીથી બોરીવલી વચ્ચે કામ ચાલુ કરવામાં આવશે અને એ કામ માર્ચ ૨૦૨૫ સુધીમાં આટોપી લેવાનું શેડ્યુલ્ડ છે.

બ્લૉકના આ સમય દરમ્યાન ચર્ચગેટ જતી ફાસ્ટ લોકલને બોરીવલી અંધેરી વચ્ચે સ્લો ટ્રૅક પર ડાઇવર્ટ કરવામાં આવશે. વિરારથી રાતે ૧૦.૪૪ વાગ્યે ઊપડતી અંધેરી ફાસ્ટ લોકલ બોરીવલી પર જ ટર્મિનેટ કરી દેવાશે, જ્યારે અંધેરીથી ભાઈંદર માટે ૧૧.૫૫ વાગ્યે ઊપડનારી ફાસ્ટ લોકલ એ દિવસે બોરીવલીથી ઊપડશે.

એ સિવાય ૬ ઑક્ટોબરે રવિવારે સવારે ૪.૪૨ વાગ્યે બોરીવલીથી વિરાર જનારી લોકલ  ૫.૧૦ વાગ્યે ઊપડશે, જ્યારે બોરીવલીથી ચર્ચગેટ માટે સવારે ૩.૫૦ વાગ્યે ઊપડનારી લોકલ ૪.૦૫ વાગ્યે ઊપડશે. આ ઉપરાંત બધી જ મેલ એક્સપ્રેસ ટ્રેન જે પાંચમી લાઇન પર દોડે છે એ આ બ્લૉકના સમય દરમ્યાન અંધેરીથી બોરીવલી વચ્ચે લોકલના ફાસ્ટ ટ્રૅક પર દોડશે.  

mumbai news mumbai goregaon kandivli mega block mumbai trains mumbai local train