ડ્રાઇવરને ઝોકું આવી ગયું અને કાર કનૅલમાં ખાબકી

30 May, 2024 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬ જણનાં મોત જેમાં એક, બે અને ત્રણ વર્ષની બાળકીઓનો સમાવેશ

અકસ્માતની તસવીર

સાંગલી જિલ્લાના તાસગાંવ-મણેરાજપુરી રોડ પર મંગળવારે મધરાત બાદ ૧.૩૦ વાગ્યે અલ્ટો કાર કનૅલમાં પટકાતાં ૬ જણનાં મોત થયાં હતાં, જ્યારે એક મહિલા ઘાયલ થઈ હતી. મૂળ તાસગાંવમાં રહેતો પાટીલ-ભોસલે પરિવાર દીકરીનો જન્મદિવસ હોવાથી કવઠે મહાકાળના કોકળે ગામ ગયો હતો. મોડી રાતે એ પરિવાર પાછો ફરી રહ્યો હતો ત્યારે તેમનો ઍક્સિડન્ટ થયો હતો. તેમની કાર તાસરા કનૅલમાં પટકાઈ હતી. કનૅલમાં પાણી ન હોવાથી એ સીધી જ પટકાતાં કારનો આગળનો આખો ભાગ છૂંદાઈ ગયો હતો અને એમાં પ્રવાસ કરી રહેલા છ જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક મહિલાને ગંભીર ઈજા થઈ હતી. પૂરઝડપે કાર ચલાવી રહેલા ડ્રાઇવરને ઝોકું આવી ગયું હોવાની શંકા સેવાઈ રહી છે. અકસ્માત થયો ત્યારે આજુબાજુમાં કોઈ વાહન નહોતું એથી અકસ્માતની જાણ કોઈને થઈ નહોતી. બુધવારે પરો​ઢિયે ત્યાંથી પસાર થયેલા એેક ગામવાસીએ એ જોયા બાદ બધાને જાણ કરી હતી. મૃત્યુ પામનારાઓમાં એક, બે અને ત્રણ વર્ષની ત્રણ બાળકીઓનો પણ સમાવેશ છે. એક જ પરિવારના છ જણનાં મોતની ઘટનાને કારણે તાસગાંવમાં ગમગીની છવાઈ ગઈ હતી.

road accident sangli maharashtra maharashtra news mumbai mumbai news