પત્નીના અંતિમ સંસ્કારમાં પ​તિ જ જોડાઈ ન શક્યો

08 July, 2024 07:35 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

છ મહિના પહેલાં જ લગ્ન કરનાર દહિસરનું ગુજરાતી દંપતી છૂટું પડ્યું : બાઇક પર યંબકેશ્વર દર્શન કરવા જતાં હતાં ત્યારે હાઇવે પર સ્પીડમાં આવી રહેલા કન્ટેનરે અડફેટે લેતાં પત્નીએ જીવ ગુમાવ્યો, જ્યારે પતિ છે જખમી

દહિસરના આ દંપતીમાંથી પત્નીનો જીવ જતાં જોડી છૂટી પડી ગઈ છે (ડાબે) અને હાઇવે પર કન્ટેનરે અડફેટે લેતાં અકસ્માત થયો હતો

દહિસર-ઈસ્ટમાં આનંદનગરમાં રહેતા ધકાણ પરિવાર પર અચાનક આવેલી આપદાથી એ ભારે આઘાતમાં આવી ગયો છે. આ પરિવારમાં છ મહિના પહેલાં જ લગ્ન કરીને આવેલી પુત્રવધૂએ રોડ-અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો, જ્યારે દીકરો જખમી થતાં હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. વીક-એન્ડમાં રજા હોવાથી તેઓ નાશિકમાં આવેલા યંબકેશ્વર જઈ રહ્યાં હતાં ત્યારે વસઈમાં હાઇવે પર તેમની બાઇકને કન્ટેનરે અડફેટે લેતાં પત્ની પર કન્ટેનરનું આગળનું ટાયર ફરી વળતાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી, જ્યારે પ​તિ ગંભીર રીતે જખમી થયો હતો.

પર​જિયા સોની સમાજનો ૩૦ વર્ષનો અમિત ધકાણ શનિવારે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ બાઇક પર તેની ૨૭ વર્ષની પત્ની ક્રિષ્નાને લઈને નીકળ્યો હતો. નાશિક-યંબકેશ્વર જવા માટે તેઓ મુંબઈ-અમદાવાદ હાઇવે પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે હાઇવે પર માલજીપાડા ગામની હદમાં પાછળથી સ્પીડમાં આવી રહેલા કન્ટેનરે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત વિશે નાયગાંવ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર બલરામ પાલકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ કન્ટેનરે બાઇકને અડફેટે લેતાં પાછળ બેસેલી ક્રિષ્નાની કમર અને પેટ પર કન્ટેનરનું વ્હીલ ફરી ગયું હોવાથી તે મૃત્યુ પામી હતી. પોલીસે કેસ નોંધીને ૪૯ વર્ષના કન્ટેનરના ચાલક અજિત યાદવની ધરપકડ કરી હતી.’  

અમિતના મોટા ભાઈ હિરેન ધકાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમિત અને ક્રિષ્નાનાં લગ્ન બોરીવલીમાં છ મહિના પહેલાં જ થયાં હતાં. ક્રિષ્ના ઇન્દોરમાં રહેતી હતી. તે દહિસર-ઈસ્ટની એક સ્કૂલમાં ટીચર હતી, જ્યારે અમિત IT એન્જિનિયર છે. શનિવારે સવારે છ વાગ્યે અમિત, હું, મારો પરિવાર તથા મિત્રો યંબકેશ્વર દર્શન કરવા બાઇક અને કારમાં જવા નીકળ્યા હતા. ત્યારે હાઇવે પર અ​મિત લેફ્ટ લેનમાં ખૂબ નૉર્મલ સ્પીડમાં બાઇક ચલાવી રહ્યો હતો. ત્યારે પાછળથી આવી રહેલું કન્ટેનર રાઇટ બાજુએથી સ્પીડમાં આવીને લેફ્ટ બાજુએ ઘૂસી ગયું હતું અને બાઇકને અડફેટે લીધી હતી. ક્રિષ્ના પાછળ બેસી હોવાથી કન્ટેનરનું ટાયર તેના પેટ અને કમર પર ફરી વળ્યું હતું અને અમિતના પગ પરથી જતાં તે જખમી થયો હતો. અમિત જખમી હોવાથી તેના પર સર્જરી થવાની છે. તેની સારવાર ચાલી રહી હોવાથી ડૉક્ટરે તેને બહાર જવાની ના પાડતાં તે અંતિમ સંસ્કારમાં જોડાઈ શક્યો નહોતો. તે હાલમાં ખૂબ આઘાતમાં છે.’

mumbai news mumbai dahisar gujarati community news gujaratis of mumbai road accident