યુવાને જીવન ટૂંકાવ્યાના ૬ મહિના પછી પોલીસે આખરે ૬ જણ સામે ગુનો નોંધ્યો

08 December, 2023 09:00 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

એસ્ટેટ એજન્ટની છેતરપિંડીનો ભોગ બનેલા ૩૨ વર્ષના યુવાને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી ત્યારે દાદર પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો રિપોર્ટ નોંધ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

દાદરમાં છ મહિના પહેલાં એસ્ટેટ એજન્ટની છેતરપિંડીનો ભોગ બનેલા ૩૨ વર્ષના તેજસ મ્હાત્રેએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. એ વખતે દાદર પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો રિપોર્ટ નોંધ્યો હતો. જોકે ત્યાર બાદ તેજસની બહેને આ બાબતે ફરિયાદ કરતાં દાદર પોલીસે તપાસ કરી હતી અને આખરે ઘટનાના છ મહિના પછી એસ્ટેટ એજન્ટનું કામ કરતા રઘુવેન્દ્ર પૂજારી, પીયૂષ શાહ, તેના દીકરા ઉર્વિલ શાહ અને અન્ય ત્રણ જણ સામે છેતરપિંડી સહિત આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધીને તેમની શોધ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.

આ કેસ વિશે માહિતી આપતાં દાદર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ગણેશ નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રભાદેવીમાં રહેતા તેજસ મ્હાત્રેની માતા બીમાર હોવાથી તેણે તેની સારવાર કરાવવા લોન લીધી હતી. જોકે ૨૦૨૧માં માતાના મૃત્યુ પછી એ લોન પાછી ન વાળી શકતાં તેણે વધુ લોન મળી શકે એ માટે પોતાની રૂમ ગિરવી મૂકવાનો નિર્ણય લઈને એની સામે લોન લેવા એજન્ટનો સંપર્ક કર્યો હતો. તેણે આ કેસના આરોપી રઘુવેન્દ્ર પૂજારી, પીયૂષ શાહ અને તેનો દીકરો ઉર્વિલ શાહ જેઓ એસ્ટેટ એજન્ટનું કામ કરે છે તેમનો સંપર્ક કર્યો હતો. પીયૂષ શાહ અને ઉર્વિલ શાહ હાલ માહિમમાં રહે છે. એજન્ટોએ તેના ઘરના ફોટો પાડ્યા હતા અને તેની પાસેથી કેટલાક દસ્તાવેજો પર સહી લીધી હતી. લોન મેળવવા તેણે સહી કરી હતી. ત્રણે એજન્ટોએ ત્યાર બાદ છેતરપિંડી કરી હતી. તેમણે એ રૂમ વેચી નાખી હતી. એમાં સહદેવ કરમરકર, મારુફ ઇનામદાર અને હેમંત સાવંત સંડોવાયા હતા.’

પીએસઆઇ ગણેશ નિકમે આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘તેજસની રૂમ સામે ૭૩ લાખ રૂપિયાની લોન લેવાઈ હતી, પણ એજન્ટ લોકોએ તો તેને માત્ર પાંચ કે છ લાખ રૂપિયા જ આપ્યા હતા. લોનના જે દસ્તાવેજો હતા એ બધા રૂમ લેનાર સહદેવ કરમરકરે રાખ્યા હતા અને લોનની મૂળ રકમ પણ તેણે જ રાખી લીધી હતી. લોન તેજસના નામે લેવાઈ હતી, પણ એની બધી જ રકમ સહદેવ કરમરકર પાસે હતી. તેણે જ્યારે લોનના હપ્તા ન ભર્યા ત્યારે બૅન્કે તેજસના નામ પર લોન હોવાથી તેનો સંપર્ક કર્યો હતો અને તેને લોનના હપ્તા ભરવાનું કહ્યું હતું. ત્યારે તેણે કહ્યું કે તેણે આટલી મોટી લોન લીધી જ નથી. તો બેન્કવાળા સાંભળવા તૈયાર નહોતા અને તેને હપ્તા ભરવાનું કહેવાતું હતું. આથી તેણે ટેન્શનમાં આવીને આખરે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેજસને એક બહેન અને એક ભાઈ છે.

તેજસની બહેને ત્યાર બાદ અમને આ બાબતે ફરિયાદ કરી ત્યારે અમે તપાસ કરતાં આ આખો કિસ્સો બહાર આવતાં હવે અમે રઘુવેન્દ્ર પૂજારી, પીયૂષ શાહ, ઉર્વિલ શાહ, સહદેવ કરમરકર, મારુફ ઇનામદાર અને હેમંત સાવંત સામે છેતરપિંડી અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધીને તેમની સામે કાર્યવાહી કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ પણ કરવામાં આવશે.’ 

dadar suicide Crime News mumbai crime news mumbai police mumbai mumbai news bakulesh trivedi