હું પ્રાઉડ ફીલ કરું છું કે મારાં મમ્મી અને પપ્પાની સાથે અંકલ, આન્ટી અને કઝિન્સે સંયમમાર્ગ અપનાવ્યો

23 April, 2024 06:52 AM IST  |  Mumbai | Shailesh Nayak

હિમાંશી મહેતાના બે ભાઈઓ પણ અગાઉ દીક્ષા લઈ ચૂક્યા છે: આચાર્ય વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજના હસ્તે મુંબઈના ૧૨ સહિત ૩૫ મુમુક્ષુઓએ અમદાવાદમાં દીક્ષા લીધી

ભાઈંદરનો શાહપરિવાર દીક્ષા લેતાં પહેલાં.

મુંબઈમાં રહેતા ૧૨ મુમુક્ષુઓ સહિત કુલ ૩૫ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ ગઈ કાલે અમદાવાદમાં યોજાયો હતો, જેમાં મુંબઈના ભાઈંદરમાં રહેતી શાહ ફૅમિલીના છ સભ્યોએ એકસાથે અમદાવાદમાં સંયમમાર્ગ અપનાવીને આચાર્ય વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા લેનારાં ભાઈંદરના જસવંતભાઈ અને દીપિકાબહેનની દીકરી હિમાંશી મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને પ્રાઉડ ફીલ થાય છે કે હું તેમની દીકરી છું. મારાં મમ્મી-પપ્પા સાથે અંકલ, આન્ટી અને કઝિન્સે સંયમમાર્ગ અપનાવ્યો છે એનાથી મને ખુશી થઈ છે. મેં જ્યારે દીક્ષા માટેની ટ્રેઇનિંગ લીધી ત્યારે હૅપીનેસની ડેફિનેશનની મને ખબર પડી અને મારું જીવન બદલાયું છે.’

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલી અધ્યાત્મનગરીમાં ગઈ કાલે આધ્યામિક્તા અને દિવ્ય વાતાવરણ વચ્ચે હર્ષોલ્લાસ સાથે દીક્ષા મહોત્સવ યોજાયો હતો. ૧૫ આચાર્ય ભગવંતો અને ૪૦૦ જૈન સાધુ-સાધ્વીજીની નિશ્રામાં યોજાયેલા આ દીક્ષા મહોત્સવમાં આચાર્ય વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજના હસ્તે મુંબઈના ૧૨ સહિત અમદાવાદ, સુરત, ભાભર, હાલોલ અને રાયપુરના ૧૧ વર્ષના બાળકથી લઈને ૫૬ વર્ષના પ્રૌઢ સુધીના ૩૫ મુમુક્ષુઓએ દીક્ષા લીધી હતી. મુમુક્ષુઓને આચાર્ય ભગવંતોના હસ્તે સાધુજીવનના પ્રતીકસમાન ઓઘો અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સૌ મુમુક્ષુઓ સાધુજીવનનાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને આવ્યાં હતાં અને લોચની વિધિ કર્યા બાદ તેમનાં સંસારી નામો બદલીને સાધુજીવનનાં નૂતન નામ પાડવામાં આવ્યાં હતાં.

બહુ ઓછા કિસ્સા બનતા હોય છે જેમાં ફૅમિલીના મોટા ભાગના સભ્યોએ દીક્ષા લીધી હોય, એમાં હવે ભાઈંદરનો શાહ પરિવાર પણ સામેલ થયો છે. ભાઈંદરમાં રહેતા જસવંત શાંતિલાલ શાહ, તેમનાં પત્ની દીપિકા શાહ, તેમના ભાઈ મુકેશ શાહ, મુકેશ શાહનાં પત્ની મોનિકા શાહ, મુકેશ શાહના દીકરા હિત અને દીકરી ક્રિશાએ એકસાથે દીક્ષા ગ્રહણ કરી હતી. જસવંતભાઈ અને મુકેશભાઈના ભાઈએ પણ અગાઉ દીક્ષા લીધી હતી તેમ જ જસવંતભાઈ અને દીપિકાબહેનના બે દીકરાઓએ પણ પહેલાં દીક્ષા લીધી હતી.

જસવંતભાઈની દીકરી હિમાંશી કૃણાલ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારાં મમ્મી-પપ્પાએ દીક્ષા લીધી એનાથી મને બહુ આનંદ થયો છે. હું માનું છું કે રિયલ સુખ દીક્ષામાં છે. મેં છ મહિના દીક્ષા માટેની ટ્રેઇનિંગ લીધી છે. આ ટ્રેઇનિંગ લીધા પછી નેચરમાં ચેન્જ આવે છે, પોતાનો સ્વાર્થ છોડીને બીજાને મદદરૂપ થવાનો ભાવ થાય છે. સેવા કરવી એ કર્તવ્ય છે એની લાગણી થાય છે, દુખી નથી થવાતું, સ્ટ્રૉન્ગ થવાય છે. મારા માટે તો આ ટ્રેઇનિંગ ફાયદાકારક રહી છે. મારા લગ્નજીવનમાં પણ એને કારણે ખુશહાલી છવાઈ છે.  શાહ પરિવાર ઉપરાંત મુંબઈનાં રિ​દ્ધિ શાહ, રુચિ અંગારા, હિનલ જૈન, વિદિત મહેતા, હિતજ્ઞ સંઘવી અને માન્ય શાહે દીક્ષા લીધી હતી.

પુત્ર કે પુત્રીએ દીક્ષા લીધા બાદ માતા-પિતાએ પણ અપનાવ્યો સંયમમાર્ગ  


અમદાવાદમાં દીક્ષા લીધા બાદ મુમુક્ષુઓની વંદના.

અમદાવાદમાં ગઈ કાલે યોજાયેલા દીક્ષા મહોત્સવમાં એવી પણ સુખદ બાબત જાણવા મળી છે કે પુત્ર કે પુત્રીએ અગાઉ દીક્ષા લીધા બાદ માતા-પિતાએ પણ હવે સંયમમાર્ગ અપનાવ્યો છે.
અમદાવાદમાં રહેતા અને રિયલ એસ્ટેટનો કારોબાર ધરાવતા ભાવેશ ગિરીશભાઈ ભંડારી અને તેમનાં પત્ની જિનલબહેને ગઈ કાલે દીક્ષા લીધી હતી. તેમના પુત્ર અને પુત્રીએ ૨૦૨૧માં સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરી હતી.સુરતમાં રહેતા સંજય માણિકચંદ સાદરિયા અને તેમનાં પત્ની બીનાબહેને દીક્ષા લીધી હતી. તેમના પુત્ર અને પુત્રીએ ૨૦૨૧માં દીક્ષા ગ્રહણ કરી હતી.
સુરતમાં રહેતા જગદીશભાઈ મહાસુખલાલ શાહ અને તેમનાં પત્ની શિલ્પાબહેને દીક્ષા અંગીકાર કરી હતી. તેમના એકના એક પુત્રએ ૨૦૨૧માં દીક્ષા લીધી હતી.

મુંબઈના મુમુક્ષુઓનાં નૂતન નામ શું છે? 
જસવંત શાહ - મુનિ ચરિતતિલકવિજયજી મ.સા. 
મુકેશ શાહ – મુનિ ચરિતાર્થતિલકવિજયજી મ.સા.
વિદિત મહેતા – મુનિ સાર્થકતિલકવિજયજી મ.સા.
હિત શાહ – મુનિ દેવર્ષિતિલકવિજયજી મ.સા.
હિતજ્ઞ સંઘવી  - મુનિ હાર્દતિલકવિજયજી મ.સા.
માન્ય શાહ – મુનિ હિતાર્થતિલકવિજયજી મ.સા.
દીપિકા શાહ – સાધ્વી ચરિતનંદિતાશ્રીજી મ.સા.
મોનિકા શાહ – સાધ્વી ચરિતાર્થનંદિતાશ્રીજી મ.સા.
હિનલ જૈન – સાધ્વી આત્મીયદર્શિતાશ્રીજી મ.સા.
રુચિ અંગારા – સાધ્વી આનતદર્શિતાશ્રીજી મ.સા.
ક્રિશા શાહ – સાધ્વી દેવર્ષિનંદિતાશ્રીજી મ.સા.
રિ​દ્ધિ શાહ – સાધ્વી શ્રવ્યલીનાશ્રીજી મ. સા.

mumbai news mumbai jain community bhayander ahmedabad gujarat news gujaratis of mumbai