૬ લાખ રૂપિયાની કિંમતના ૬૦૦ જેટલા નકલી નવરાત્રિ-પાસ બનાવનારા ૬ કૉલેજિયન પકડાયા

09 October, 2024 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, તેમની પાસેથી ૬૦૦ પાસ મળી આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના બોરીવલી વિસ્તારમાં ચીકુવાડીમાં આયોજિત જાણીતી ગાયિકા ભૂમિ ત્રિવેદીની નવરાત્રિમાં રાસગરબા માણવા માગતા લોકોને નકલી સીઝન-પાસ બનાવીને પધરાવવાના મામલામાં બોરીવલી પોલીસે ફરિયાદ નોંધીને છ કૉલેજિયનની ગઈ કાલે ધરપકડ કરી હતી. બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નિનાદ સાવંતના જણાવ્યા મુજબ ‘બોરીવલી-વેસ્ટમાં ચીકુવાડીના ગ્રાઉન્ડમાં રાયગડ પ્રતિષ્ઠાન દ્વારા રંગરાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આરોપી કૉલેજિયનોએ નવરાત્રિમાં રૂપિયા કમાવા માટે છ લાખ રૂપિયાની કિંમતના ૬૦૦ બોગસ સીઝન-પાસ બનાવ્યા હોવાનું સોમવારે જાણવા મળ્યું હતું. બોગસ પાસ લઈને પ્રવેશ કરવા જનારા બે લોકોના પાસ નકલી હોવાનું જણાતાં સિક્યૉરિટી ગાર્ડે આ બન્નેને તાબામાં લીધા હતા અને બોરીવલી પોલીસને સોંપ્યા હતા. પોલીસની તપાસમાં જણાયું હતું કે નકલી પાસ બનાવનારાની એક ટોળકી છે, જેમાં તેમણે અસલી પાસની ૬૦૦ કલર ઝેરોક્સ કાઢી હતી અને એ વેચવાનો પ્રયાસ કર્યો હતો. આથી બાદમાં બીજા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, તેમની પાસેથી ૬૦૦ પાસ મળી આવ્યા હતા.

mumbai news mumbai navratri Garba Crime News mumbai crime news mumbai police