02 January, 2025 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘જલસમાધિ’ આંદોલન
બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસની તપાસ કરવા રાજ્ય સરકારે હવે ૧૦ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી છે. રાજ્ય સરકારના ગૃહખાતાએ આ સંદર્ભે ઑર્ડર બહાર પાડ્યો છે અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ બસવરાજ તેલીને એના વડા બનાવ્યા છે. સંતોષ દેશમુખની નવમી ડિસેમ્બરે હત્યા કરવામાં આવી હતી.
ગઈ કાલે ગામના ૪૦ જેટલા લોકો જેમાં મહિલાઓ પણ સામેલ હતી તેમણે આ હત્યાકેસના નાસતા ફરી રહેલા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવે એવી માગણી સાથે ‘જલસમાધિ’ આંદોલન કર્યું હતું. આંદોલન કરી રહેલાં પુરુષો અને મહિલાઓ ગામના તળાવમાં કમરબૂડ પાણીમાં ઊભાં રહ્યાં હતાં અને કલાકો સુધી સૂત્રોચ્ચાર કરી એ વિશે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. આંદોલનની જાણ થતાં ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ નવનીત કનવટ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે આંદોનકારીઓને સમજાવ્યા હતા અને ખાતરી આપી હતી કે હત્યારાઓને પકડવામાં પોલીસ જરા પણ કચાશ નહીં રાખે. એ પછી લોકોએ તેમનું આંદોલન સમેટી લીધું હતું.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા ધનંજય મુંડેની નજીક ગણાતો વાલ્મીક કરાડ આ હત્યાકેસનો માસ્ટરમાઇન્ડ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પોલીસે વાલ્મીક કરાડની ખંડણીકેસમાં ધરપકડ કરી છે; જ્યારે વાલ્મીક કરાડનું કહેવું છે કે તેને મર્ડરકેસ સાથે કશું લાગતુંવળગતું નથી, તેને ખંડણીકેસમાં રાજકીય અદાવતને લઈ ખોટી રીતે સંડોવી દેવાયો છે.