પ્રોસ્ટેટની સમસ્યા હોવા છતાં કૅથેટર સાથે સાયનના ૯૫ વર્ષના જયંતીલાલ શાહે મતદાનમથકે જઈને મત આપ્યો

21 May, 2024 10:01 AM IST  |  Mumbai | Rohit Parikh

તેઓ વર્ષોથી મતદાનમથક પર મતદાન કરવા જાય છે અને ગઈ કાલે પણ મતદાન કરીને ખૂબ જ ખુશ હતા.

પુત્રવધૂ ભાવના શાહ સાથે મત આપીને મતદાનમથક પરથી ખુશખુશાલ બહાર નીકળી રહેલા જયંતીલાલ શાહ.

સાયન (ઈસ્ટ)ના ઉષા કુંજમાં રહેતા ૯૫ વર્ષના જયંતીલાલ શાહને સવા વર્ષથી પ્રોસ્ટેટની સમસ્યા હોવા છતાં કૅથેટર સાથે તેમના ૬૯ વર્ષના પુત્ર મહેશ શાહ, ૬૭ વર્ષનાં પુત્રવધૂ ભાવના શાહ અને ૩૬ વર્ષના પૌત્રની સાથે મતદાનકેન્દ્ર પર મતદાન કરવા ગયા હતા. જયંતીલાલ શાહનાં પુત્રવધૂ ભાવના શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા સસરાને આટલી બધી તકલીફ હોવા છતાં ઘરની બહાર નીકળી શકે અને લોકોને મળી શકે એ હેતુથી અમારા ઘરથી પાંચથી સાત મિનિટના અંતરે આવેલા મતદાનમથક પર જઈને મતદાન કરવું હતું. તેમને એટલો બધો ઉત્સાહ હતો કે તેઓ એ માટે સવારે સાત વાગ્યામાં તૈયાર થઈને મતદાન કરવાની રાહ જોતા હતા. આથી અમે ગઈ કાલે અમારી કારમાં તેમને મતદાનમથક પર લઈ ગયા હતા. અમે ઉષા કુંજમાં બીજા માળે રહીએ છીએ એટલે ગઈ કાલે અમે સૌએ તેમને સાથે મળીને ચૅરમાં નીચે ઉતાર્યા હતા. ત્યાંથી તેમને કારમાં અમારા મતદાનમથક ટ્રિનિટી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં મતદાન કરવા લઈ ગયા હતા. અમે અમારી સાથે કારમાં વ્હીલચૅર લઈ ગયા હતા. જોકે અમે જેવા મતદાનમથક પર પહોંચ્યા કે તરત જ પોલીસ અને સરકારી સ્વયંસેવકો અમને દરવાજા પર લેવા આવ્યા હતા અને પપ્પાને વ્હીલચૅરમાં બેસાડીને મતદાન કરવા લઈ ગયા હતા. પપ્પા વર્ષોથી મતદાનમથક પર મતદાન કરવા જાય છે અને ગઈ કાલે પણ મતદાન કરીને ખૂબ જ ખુશ હતા.’

mumbai news mumbai Lok Sabha Election 2024 gujaratis of mumbai vashi