સાયન બ્રિજ આખરે તૂટશે, આ તારીખથી દરેક વાહનો માટે ROB સંપૂર્ણ બંધ, જાણો ટ્રાફિકની વિગતો

24 July, 2024 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Sion ROB Demolition: મુંબઈ ટ્રાફિક પોલીસે સત્તાવાર રીતે બ્રિજના ડિમોલિશનની નવી તારીખોની જાહેરાત કરતા કહ્યું છે કે બ્રિજ પહેલી ઓગસ્ટ, 2024થી જુલાઈ 2026 સુધી સંપૂર્ણપણે બંધ રહેશે

સાયન બ્રિજની ફાઇલ તસવીર

સાયન સ્ટેશનની બહાર આવેલા રોડ ઓવર બ્રિજને (Sion ROB Demolition) તોડીને તેની જગ્યાએ નવો બ્રિજ બનાવવાનો પ્રસ્તાવ હતો. જો કે આ પ્રસ્તાવ સામે અનેક લોકોએ વાંધો ઉઠાવતા આ પ્લાનને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજ ખૂબ જ જૂનો થઈ જતાં જોખમી બની ગયો હતો જેને લીધે ગયા મહિને આ બ્રિજને મોટા વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને હવે આ બ્રિજને દરેક વાહનો માટે બંધ કર્યા બાદ તેને તોડી નવો બ્રિજ બાંધવાનું કામ હાથ ધરવામાં આવવાનનું છે. જે બાબતે હવે નવી જાહેરાત કરવામાં આવી છે.

લાંબી રાહ જોયા બાદ આખરે મુંબઈ પોલીસ પ્રશાસન (Sion ROB Demolition) દ્વારા સાયન રોડ ઓવર બ્રિજ (ROB) ને પુનઃનિર્માણ માટે તોડી પાડવાનો નિર્ણય લીધો છે. મુંબઈ ટ્રાફિક પોલીસે સત્તાવાર રીતે બ્રિજના ડિમોલિશનની નવી તારીખોની જાહેરાત કરતા કહ્યું છે કે બ્રિજ પહેલી ઓગસ્ટ, 2024થી જુલાઈ 2026 સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. આ પુલને તોડવાનું કામ 31 જુલાઈથી શરૂ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આ પુલ તૂટી પડવાની સંભાવના છે. બ્રિજ બંધ થવાને કારણે વાહનોની અવરજવર અને ટ્રાફિકને મોટી અસર થશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બે દ્વારા 2020 માં સ્ટ્રક્ચરલ ઑડિટ પછી બ્રિજને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ બોર્ડની પરીક્ષાઓ, લોકસભાની ચૂંટણીઓ અને સ્થાનિક રહેવાસીઓને અસુવિધા જેવા કારણોસર તેણે ત્રણ વખત આ પ્રસ્તાવને પાછો ખેંચવામાં આવ્યો હતો. સાયન આરઓબીનું નિર્માણ 1912માં થયું હતું.

ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર આરઓબીના ડિમોલિશન (Sion ROB Demolition) દરમિયાન વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. ડૉ. બી. એ. રસ્તા પરથી પશ્ચિમ બાજુએ સાયન ઓવર બ્રિજ અને પૂર્વ બાજુના એલબીએસ માર્ગ અથવા સંત રોહિદાસ રોડ તરફ જતા વાહનોને અહીંથી ડાયવર્ટ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સાયન માહિમ લિંક રોડ, કેકે કૃષ્ણન માર્ગ, સાયન હૉસ્પિટલ જંકશન પાસે સુલોચના શેટ્ટી રોડ સહિત ઉપરોક્ત તમામ રસ્તાઓને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવશે. સાયન આરઓબીના ડિમોલિશનમાં ઓછામાં ઓછા 3 મહિનાનો સમય લાગશે, જ્યારે પુનર્નિર્માણના કામમાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 50 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે.

આ બ્રિજના કામકાજ દરમિયાન મધ્ય રેલ્વે પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કુર્લા વચ્ચે બે વધારાની રેલ્વે લાઇન નાખવાનું કામ (Sion ROB Demolition) કરવામાં આવશે જેને લીધે એક્સ્પ્રેસ અને લોકલ ટ્રેનો જે હાલમાં એક જ ટ્રેક પર દોડી રહી છે તેને અલગ ટ્રેક પર દોડાવી શકાય. આ બે લાઇનથી ટ્રેનો મોડી થવાની સમસ્યા પણ ઓછી થશે. માટુંગા ટ્રાફિક વિભાગના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાયન આરઓબીના ડિમોલિશનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બાકીનું કામ એક-બે દિવસમાં પૂર્ણ થઈ જશે. વધારાના ટ્રાફિક વોર્ડન, સાઈનેજ, નો પાર્કિંગ, નો એન્ટ્રી અને વૈકલ્પિક માર્ગો સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આને લગતી દરેક માહિતી ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

sion central railway chhatrapati shivaji terminus kurla mumbai traffic police mumbai traffic regional transport office mumbai news