રાહુલ ગાંધી હવે સાંસદ ન હોવાથી થાણેમાં માનહાનિના કેસમાં હાજર રહી શકે છે : ફરિયાદીએ કોર્ટને કહ્યું

01 April, 2023 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સભામાં રાહુલ ગાંધીએ કરેલા ભાષણમાં મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ કથિત રીતે આરએસએસ પર મૂક્યો હતો. રાજેશ કુંતેએ આ નિવેદનને આરએસએસની માનહાનિ તરીકે ગણાવ્યું હતું.

રાહુલ ગાંધી

મુંબઈ (પી.ટી.આઇ.) : રાહુલ ગાંધી ગુજરાતમાં માનહાનિના કેસમાં દોષી પુરવાર થયા બાદ કૉન્ગ્રેસના નેતાનું સાંસદપદ ગેરમાન્ય ઠર્યું હોવા વિશે કોર્ટને જણાવતાં થાણેમાં રાહુલ ગાંધી સામે આવો જ કેસ કરનારા આરએસએસના કાર્યકર્તાએ તેમની કોર્ટમાં હાજર રહેવામાંથી કાયમી મુક્તિની માગણી કરતી અરજીનો વિરોધ કર્યો હતો. 
ફરિયાદી રાજેશ કુંતેએ ૨૦૧૪માં રાજીવ ગાંધીનું ભાષણ જોયા બાદ ભિવંડીની મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ 
એક ખાનગી ફરિયાદ દાખલ કરી હતી. આ સભામાં રાહુલ ગાંધીએ કરેલા ભાષણમાં મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ કથિત રીતે આરએસએસ પર મૂક્યો હતો. રાજેશ કુંતેએ આ નિવેદનને આરએસએસની માનહાનિ તરીકે ગણાવ્યું હતું. રાહુલ ગાંધીએ ૨૦૧૮માં કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈને પોતે દોષી ન હોવાનો દાવો કર્યો હતો. 
ગયા વર્ષે રાહુલ ગાંધીએ પોતે સાંસદ હોવાથી પાર્ટીનું કામ કરવા, પોતાના મતદારક્ષેત્રમાં જવા ઘણો પ્રવાસ કરવો પડતો હોવાનું જણાવીને કોર્ટમાં હાજર રહેવામાંથી કાયમી મુક્તિ માટે અરજી કરી હતી. 
હવે તેમનું લોકસભાનું સભ્યપદ રદ થતાં રાજેશ કુંતેએ તેમની આ અરજીનો વિરોધ કર્યો હતો. કોર્ટે આ બાબતની નોંધ લઈને એનો ચુકાદો પહેલી એપ્રિલ પર મુલતવી રાખ્યો હતો. 

mumbai news rahul gandhi thane