25 December, 2024 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્યામ બેનેગલ, નસીરુદ્દીન શાહ અને બમન ઈરાની, જાવેદ અખ્તર, ગુલઝાર
સમાંતર સિનેમાના મોભી અને મશહૂર ફિલ્મસર્જક શ્યામ બેનેગલને ગઈ કાલે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
સોમવારે ૯૦ વર્ષે તેમણે લાંબી બીમારી બાદ છેલ્લો શ્વાસ લીધો હતો. ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે દાદરના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં ત્રણ બંદૂકની સલામી સાથે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના મૃતદેહને તિરંગો ઓઢાડવામાં આવ્યો હતો. બન્ને કિડની ખરાબ થઈ ગઈ હોવાથી છેલ્લાં બે વર્ષથી તેઓ ડાયાલિસિસ પર હતા.
અંતિમ સંસ્કારમાં હાજર રહેલા નસીરુદ્દીન શાહને જ્યારે પત્રકારોએ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હું માનું છું કે મારા દિલમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ તમે સમજી શકશો. શ્યામસાહેબ, હું જે પણ છું એ અને મારી પાસે જે પણ છે એ બધું તમને સમર્પિત છે. આ સિવાય શું કહેવું એ મને નથી સમજાઈ રહ્યું.’
ફિલ્મમેકર ગોવિંદ નિહલાણીને શ્યામ બેનગલ સાથેનાં સંસ્મરણોની વાત કરવા કહ્યું તો તેમણે કહ્યું હતું કે હું કંઈ બોલી શકું એમ નથી, પ્લીઝ.
તસવીરો : અતુલ કાંબળે