17 October, 2023 11:15 AM IST | Mumbai | Lalit Gala
પરિચય મિલનમાં સમાજના સભ્યો.
આજના સમયમાં દરેક સમાજમાં સૌથી સળગતો કોઈ પ્રશ્ન હોય તો એ છે સગપણ વિષયક સમસ્યા, જે દિનપ્રતિદિન વધતી રહી છે. સમાજની આ સમસ્યાને મહદંશે ઓછી કરવાના પ્રયાસરૂપે શ્રી ડોમ્બિવલી કચ્છી વીસા ઓસવાળ સેવા સમાજ દ્વારા રવિવારે સૌપ્રથમ વખત એક પરિચય મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિચય મિલનમાં ભાગ લીધેલાં યુવક-યુવતી જો લગ્ન માટે આગળ વધશે તો બંને પરિવારના મળીને ૧૦૦ માણસો સાથેનાં સંપૂર્ણ લગ્ન સંસ્થા દ્વારા ફક્ત ૧૧,૦૦૦ રૂપિયામાં કરાવવામાં આવશે એવી જાહેરાત સંસ્થા વતી કરવામાં આવી હતી.
શ્રી ડોમ્બિવલી ક.વી.ઓ. સેવા સમાજની મહિલા પાંખ દ્વારા આયોજિત આ પરિચય મિલનમાં ૪૭ યુવતીઓ અને ૮૧ યુવકોએ ભાગ લીધો હતો. સમાજની સળગતી સમસ્યા અને આ આયોજન વિશે માહિતી આપતાં શ્રી ડોમ્બિવલી ક.વી.ઓ. સેવા સમાજના પ્રમુખ સંજય દેઢિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘આજની જનરેશનમાં લગ્ન કરવાની ઍવરેજ ઉંમર ૩૦ વર્ષની થતી જાય છે. ૨૧ વર્ષની ઉંમરે પસંદગીનું પાત્ર મેળવવા માટેની જે ડિમાન્ડ્સ યુવક-યુવતીઓની હોય છે એ જ ડિમાન્ડ્સ ૩૦ વર્ષની ઉંમરે પણ હોય છે. એને કારણે પોતાને જોઈતું મનગમતું પાત્ર મેળવવાની રાહ જોવામાં જીવનનો અમૂલ્ય સમય જતો રહે છે અને ત્યાર બાદ પસંદગીનું પાત્ર શોધવામાં અડચણ થાય છે. વધતી જતી ઉંમરની સાથે-સાથે પ્રેગ્નન્સીમાં પણ કૉમ્પ્લિકેશન આવે છે. સામેવાળા પાત્રમાં રહેલા ગુણોને બદલે તેનું લોકેશન, નોકરી છે કે ધંધો, સ્ટેટસ, દેખાવ, ઘરનો એરિયા જેવી વાતોને પ્રાથમિકતા આપવામાં આવે છે કે જે લાઇફટાઇમ કાયમ રહેશે કે નહીં એ નક્કી હોતું નથી. અમે આયોજિત કરેલું આ પરિચય મિલન યુવક-યુવતીઓ માટે એકબીજાને પસંદ કરવાનું ફક્ત પ્લૅટફૉર્મ જ નહોતું, પણ તેમના માટે એક ગાઇડન્સ સેમિનાર પણ હતો જેમાં અમે સમાજના અગ્રણીઓને પણ બોલાવ્યા હતા, જેમણે લગ્નવિષયક પોતાના અનુભવો તેમ જ પાત્ર-પસંદગી માટે જરૂરી મુદ્દાઓ વિશે રજૂઆત કરી હતી. આ ઉપરાંત આ પરિચય મિલનમાં ભાગ લીધેલી વ્યક્તિ જો લગ્ન સુધી આગળ વધશે તો દાતા પરિવારના સહયોગથી બંને પક્ષના મળીને ૧૦૦ માણસો સાથે એસી હૉલ, ડેકોરેશન, મહારાજ અને જમણવાર સાથેનાં સંપૂર્ણ લગ્ન સંસ્થા દ્વારા ફક્ત ૧૧,૦૦૦ રૂપિયામાં કરાવવામાં આવશે.’
પરિચય મિલનમાં પધારેલા અને વડો મહાજન સાથે સંકળાયેલા જિજ્ઞેશ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજના યુગમાં યોગ્ય પાત્રની પસંદગી માટેના માપદંડો બદલાયા છે. ફક્ત વેલ સેટ પાત્રની પસંદગી નહીં, પણ પાત્રને સપોર્ટ કરીને પણ વેલ સેટ કરી શકાય એ પણ લક્ષમાં રાખીને જો વિચાર કરવામાં આવે સગપણ વિષયક સમસ્યામાં ઘટાડો થઈ શકે છે. અમે પણ શરૂઆતના દિવસોમાં ભારે સંઘર્ષ કર્યો છે, પણ મહેનત અને પરિવારના સપોર્ટને કારણે આગળ વધી શક્યા છીએમેટ્રો સિટીમાં રહીશું તો જ લાઇફ બની શકશે અથવા સુખી થઈ શકાશે એ વિચારમાંથી બહાર આવવાની જરૂર છે. સહનશીલતા અને ઍડ્જસ્ટમેન્ટ કરી શકવાની ક્ષમતા આ બંને વસ્તુ જીવનમાં હોવી જરૂરી છે. પરિચય મિલનમાં આ જ બધા મુદ્દાઓ પર અમે લગ્નોત્સુક ઉમેદવારોને અમારા અનુભવો રજૂ કર્યા હતા. આજે સમાજમાં કોઈ પણ વ્યક્તિ બે પરિવાર વચ્ચે લગ્ન સંબંધે મધ્યસ્થી કરવા તૈયાર નથી એવા સમયે દરેક સમાજે યુવક-યુવતીઓને આ પરિચય મિલન જેવું પ્લૅટફૉર્મ પૂરું પડવું જરૂરી છે.’