આજે વિલે પાર્લેના ૧૦૦ વર્ષ જૂના સંઘના સૌથી મોટા જૈન ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરવામાં આવશે

26 October, 2024 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૦,૦૦૦ ચોરસ ફીટની બેઝમેન્ટ-ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની નવી ઇમારતના દરેક માળ પર હૉલ બનાવવામાં આવ્યો છે

વિલે પાર્લે-ઈસ્ટમાં નવી બનાવવામાં આવેલી ઉપાશ્રયની ઇમારત.

વિલે પાર્લે-ઈસ્ટમાં મહાત્મા ગાંધી માર્ગ, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ચોક પાસે ૧૦૦ વર્ષ જૂનું શ્રી વિલે પાર્લે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને ચૅરિટીઝ સંચાલિત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન દેરાસર આવેલું છે. આ દેરાસરની બાજુમાં જ્યાં પહેલાં એક માળનો ઉપાશ્રય હતો ત્યાં હવે ૭૦,૦૦૦ ચોરસ ફીટનો બેઝમેન્ટ-ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનો તમામ આધુનિક સુવિધા સાથેનો ઉપાશ્રય બનાવવામાં આવ્યો છે, જેનું આજે મુંબઈમાં બિરાજમાન ગચ્છાધિપતિ, આચાર્ય અને સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ઉદ્ઘાટન કરવામાં આવશે.

જૂના શ્રી વિલે પાર્લે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને ચૅરિટીઝના ટ્રસ્ટી પીયૂષ શાહે આ નૂતન ઉપાશ્રયની વિશેષતા વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં પહેલી વખત ૧૨૦ ફીટ લંબાઈ અને ૯૬ ફીટ પહોળાઈવાળી ઇમારતમાં કુલ ૭૦,૦૦૦ ચોરસ ફીટનો ઉપાશ્રય બનાવવામાં આવ્યો છે. બેઝમેન્ટથી લઈને ચોથા માળ સુધીના દરેક ફ્લોર પર એક-એક હૉલ બનાવવામાં આવ્યો છે. બીજા માળના હૉલમાં એકસાથે ૨૫૦૦ લોકો પ્રવચન સાંભળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય શ્રાવક-શ્રાવિકા ઉપાશ્રય, વર્ધમાન તપ આયંબિલ શાળા, સાધુ-ભગંવતોના વિશ્રામ માટે બે વૈયાવચ્ચ ખંડ, ચોથા માળે ૬૫૦૦ ચોરસ ફીટમાં પાઠશાળાના ત્રણ ખંડ, સાધર્મિક પ્રવૃત્તિની રૂમ અને બે ગેસ્ટરૂમ બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનની ડિઝાઇનમાં ટીકવુડમાંથી બારી-બારણાં છે એટલે ઉપાશ્રયની આ ઇમારત બહારથી હવેલી જેવી લાગે છે. આજે આ નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરવામાં આવશે.’

 

mumbai news mumbai jain community religious places vile parle