16 December, 2022 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દેશભરમાં ચકચાર જગાડનાર વસઈની શ્રદ્ધા વાલકરની દિલ્હીમાં કરાયેલી હત્યાના કેસમાં દિલ્હી પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. શ્રદ્ધાની હત્યા કરવાનો આરોપ ધરાવતા તેના જ બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ દિલ્હી નજીકના મહરૌલી અને ગુરગ્રામના જંગલમાં દર્શાવેલી જગ્યાઓ પરથી મેળવેલાં ૧૩ હાડકાંના ડીએનએ ચકાસણી કરાઈ હતી અને શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરના ડીએનએ સાથે સરખાવાતાં એ મૅચ થયા છે. એથી એ હાડકાં શ્રદ્ધાનાં જ હોવાનું સાબિત થયું છે. આ ઉપરાંત તેમના ભાડાના ફ્લૅટમાંથી પણ કેટલાંક બ્લડ-સૅમ્પલ મળી આવ્યાં હતાં. એની પણ ડીએનએ ચકાસણી કરાતાં એ પણ મૅચ થયાં છે.
દિલ્હી પોલીસને સેન્ટ્રલ ફૉરેન્સિક સાયન્સ લૅબ (સીએફએસએલ) અને રોહિણીમાં આવેલી ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના રિપોર્ટ ૧૪ ડિસેમ્બરે મળ્યા હતા. સીએફએસએલમાં મહરૌલી અને આસપાસના જંગલમાંથી મળેલાં હાડકાં તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં. એ હાડકાં શ્રદ્ધાનાં જ હોવાનું ડીએનએ ટેસ્ટ બાદ જણાઈ આવ્યું હતું. એક ઑફિસરે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ શરીરનાં કેટલાંક એવાં અંગોનાં હાડકાં છે જેને ધારદાર કટરથી કાપવામાં આવ્યાં છે. આ હાડકાં શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મૅચ થાય છે. એથી હવે એ હાડકાં શ્રદ્ધાનાં જ હોવાનું સાબિત થયું છે. દિલ્હી પોલીસને આ કેસમાં આ મહત્ત્વની સફળતા મળી છે. એ આ કેસના મહત્ત્વના પુરાવા ગણાશે.’
ગયા અઠવાડિયે જ શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે પ્રેસ-કૉન્ફરન્સમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે જો પોલીસે ૨૦૨૦માં જ શ્રદ્ધાની ફરિયાદ પર ધ્યાન આપી તપાસ કરીને આફતાબ સામે કાર્યવાહી કરી હોત તો મારી દીકરી બચી ગઈ હોત. તેમણે આફતાબને ફાંસીની સજા આપવામાં આવે એવી માગણી કરી હતી.