30 November, 2022 09:51 AM IST | Mumbai | Faizan Khan
ફાઇલ તસવીર
આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા વાલકરની હત્યા કર્યા પછી તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા એ કોર્ટમાં કઈ રીતે સાબિત કરવું એ દિલ્હી પોલીસ માટે મોટો પ્રશ્ન બન્યો છે, કારણ કે પોલીસને આફતાબ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસ નાર્કો અને ફૉરેન્સિક ટેસ્ટના પરિણામની રાહ જોઈ રહી છે. આફતાબે જાણે અગાઉથી બધી તૈયારીઓ કરી રાખી હોય એવું લાગે છે.
આ કેસને મીડિયામાં જે પ્રકારનું કવરેજ મળી રહ્યું છે એ જોતાં દિલ્હી પોલીસ પર દબાણ ઘણું છે. એણે આ કેસની તપાસ માટે એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ પણ બનાવી છે. ગુનો ઘણો પહેલાં બન્યો હોવાથી આફતાબે તમામ પુરાવાનો નાશ કર્યો છે. વળી આ કેસમાં કોઈ સાક્ષી પણ નથી. પોલીસે છત્તરપુર ફ્લૅટના બાથરૂમ, બેડરૂમ અને રસોડામાંથી લોહીના ડાઘ ભેગા કર્યા છે જે અત્યાર સુધી ફૉરેન્સિક પુરાવાઓનો સૌથી મજબૂત ભાગ છે. જંગલમાંથી મળેલાં હાડકાં માટે ડીએનએ અને ફૉરેન્સિક રિપોર્ટની રાહ જોવી પડશે.
આફતાબે ભલે કબૂલાત કરી હોય કે તેણે હત્યા કરી છે, પણ અદાલતમાં તેના નિવેદનનું કોઈ મહત્ત્વ નથી. પોલીસે કેસના પુરાવાઓ અને આફતાબના હેતુને સાબિત કરવો પડશે. આફતાબ ભલે પોલીસને સહકાર આપી રહ્યો હોય, પરંતુ આ બધું તે જાણી જોઈને કરી રહ્યો છે. તેને ડર હતો જ કે એક દિવસની તેની ધરપકડ કરવામાં આવશે. તેણે ઘણા પુરાવાઓનો નાશ કર્યો છે. માણિકપુર પોલીસે બોલાવ્યો ત્યારે તેણે જતાં પહેલાં જ રસ્તામાં આવતી ખાડીમાં ટુકડાઓ ફેંકી દીધા હતા.
વસઈ પોલીસની ટીકા
આફતાબ સામે કાર્યવાહી કરવામાં માણિકપુર પોલીસે ૯૦ દિવસનો વિલંબ કર્યો હોવાથી દિલ્હી પોલીસ માટે મુશ્કેલી થઈ છે એવું ક્રિમિનલ ઍડ્વોકટ દર્શના િત્રપાઠીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક ક્રિમિનલ વકીલ તરીકે મને લાગે છે કે માણિકપુર પોલીસે ઑગસ્ટમાં ગુમ થવાની ફરિયાદ નોંધવી જોઈતી હતી અને તપાસ માટે દિલ્હી પોલીસને મામલો સોંપવો હતો.
તેની પોલિગ્રાફ ટેસ્ટ સંતોષકારક નહોતી
પોલીસે કહ્યું હતું કે આફતાબની પૉલિગ્રાફ ટેસ્ટ સંતોષકારક નહોતી. તેણે પૉલિગ્રાફ અને નાર્કો ઍનૅલિસિસ ટેસ્ટનો અભ્યાસ કર્યો છે. તે તમામનો જવાબ આપવા તૈયાર છે. પોલીસને હવે નાર્કો ટેસ્ટના વિશ્લેષણ પર આશા છે.