જંગલમાં ફેંકેલાં શ્રદ્ધાના શરીરનાં હાડકાં મળી આવ્યાં

20 November, 2022 12:15 PM IST  |  Mumbai | Faizan Khan

દિલ્હી પોલીસને પહેલી સફળતા મળી

ફાઇલ તસવીર

વસઈની શ્રદ્ધા વાલકરની તેની જ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા આફતાબ પૂનાવાલાએ કરેલી હત્યા અને ત્યાર બાદ ઠંડે કલેજે તેના મૃતદેહના ૩૫ ટુકડા કરીને એને જંગલમાં ફગાવી દેવાના કિસ્સાએ દેશભરમાં અરેરાટી ફેલાવી દીધી છે ત્યારે હવે દિલ્હી પોલીસ આ કેસને ફૂલપ્રૂફ બનાવવા માટે બને એટલા મજબૂત પુરાવા ભેગા કરવા દિવસ-રાત કવાયત કરી રહી છે. દિલ્હી પોલીસ શ્રદ્ધા અને આફતાબ જ્યાં રહેતાં હતાં એ છત્તરપુરના ઘરે જઈને બંનેનાં બધાં જ કપડાં લઈ આવી છે. એ ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટને મોકલી અપાયાં છે, જેથી ડીએનએ સૅમ્પલની ચકાસણી વધુ સારી રીતે થઈ શકે. જોકે શ્રદ્ધાની હત્યા કરીને તેના ટુકડા કરતી વખતનાં આફતાબનાં કે શ્રદ્ધાનાં કપડાં હજી સુધી નથી મળ્યાં. બીજું, છત્તરપુર પાસેના જંગલમાં જ્યાં આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા ડિસ્પોઝ કર્યા હતા ત્યાંથી એક હાડપિંજર પણ મળી આવ્યું છે. એની પણ ડીએનએ ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત આફતાબે ૧૮ મેએ શ્રદ્ધાની હત્યા કરી હતી. એ રાતે (પરોઢિયે ચાર વાગ્યે) તે ત્યાંથી બહાર જઈ રહ્યો હોવાનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મળી આવ્યાં છે. એમાં તેના ખભે બૅગસેક હોવાનું પણ દેખાય છે. વળી તે આફતાબ જ હોવાનું પણ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.   

દિલ્હી પોલીસને પહેલી સફળતા મળી

શ્રદ્ધા પાલકરની હત્યાના કેસમાં દિલ્હી પોલીસની વિવિધ ટીમોએ હત્યારા આફતાબે ફેંકી દીધેલા શ્રદ્ધાના મૃતદેહના ટુકડા શોધવા માટે ગઈ કાલે દિલ્હીના છત્તરપુરની આસપાસના જંગલમાં તપાસ કરી હતી. એક ટીમે આફતાબ પૂનાવાલા જે ઑફિસમાં કામ કરતો હતો તે ગુરુગ્રામ વિસ્તારના સીસીટીસી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ બે દિવસથી કરવામાં આવી રહેલી સઘન તપાસમાં માનવ-હાડકાં મળી આવ્યાં હતાં, જે ફૉરેન્સિક લૅબમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. શરીરના જુદા-જુદા ભાગના આ માનવ અંગોનાં હાડકાં મળી આવવાથી હત્યારા આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ તેના શરીરના અનેક ટુકડા કરીને સગેવગે કર્યા હોવાની કબૂલાત સિદ્ધ થાય છે. સોમવારે આફતાબની નાર્કોટિક ટેસ્ટ થઈ શકે છે.

mumbai mumbai news Crime News mumbai crime news new delhi vasai faizan khan