02 June, 2023 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
વસઈની શ્રદ્ધા વાલકરની ગળું દબાવીને કરપીણ હત્યા કર્યા બાદ તેનાં અંગોના ટુકડા કરીને મહિનાઓ સુધી ફ્રિજમાં રાખ્યા પછી એનો એક-એક કરીને નિકાલ કરનાર તેનો બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલા શ્રદ્ધાની મારઝૂડ કર્યા બાદ તેની માફી માગી લેતો હતો અને એ મારઝૂડ ભૂલી જવાનું કહેતો હતો એમ શ્રદ્ધાના ભાઈ શ્રીજય વિકાસ વાલકરે તેના સ્ટેટમેન્ટમાં દિલ્હી પોલીસને જણાવ્યું છે.
દિલ્હીની સેશન્સ કોર્ટમાં ઍડિશનલ સેશન્સ જજ મનીષા ખુરાના કક્કર સામે પબ્લીક પ્રૉસિક્યુટર દ્વારા શ્રદ્ધા વાલકરના ભાઈ શ્રીજય વાલકરે ટ્રાયલ દરમિયાન કોર્ટને જણાવ્યું હતું કે ‘શ્રદ્ધા આફતાબ સાથે રિલેશનમાં છે એવી અમને જાણ થઈ ત્યારે અમે શ્રદ્ધાને બહુ સમજાવી હતી અને એ રિલેશનનો અંત લાવવા જણાવ્યું હતું. જોકે શ્રદ્ધાએ અમારી વાત માની નહોતી. તે પૂર્ણપણે આફતાબના કહ્યામાં હતી. તેણે અમને કહ્યું કે તે ૨૫ વર્ષની થઈ ગઈ છે અને તેને તેના સારા-નરસાની ખબર પડે છે. ત્યાર બાદ તે આફતાબ સાથે રહેવા ચાલી ગઈ હતી. એ પછી થોડા વખત બાદ ફોન પર તેની સાથે વાત થતી ત્યારે તે કહેતી કે આફતાબ સાથે તેના ઝઘડા થાય છે અને આફતાબ તેની ક્યારેક મારઝૂડ પણ કરે છે. દરેક મારઝૂડ પછી આફતાબ શ્રદ્ધાની માફી માગતો અને તેને એ ઘટના ભૂલી જવા કહેતો અને તેની સાથે રહેવા જણાવતો. અમારી માતાના મૃત્યુ પછી ફરી અમે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ શ્રદ્ધા આફતાબને છોડીને અમારી સાથે રહેવા તૈયાર નહોતી.’