10 May, 2023 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા વાલકર બૉયફ્રેન્ડ (આરોપી) આફતાબ પૂનાવાલા સાથે (ફાઇલ તસવીર)
દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા વસઈની શ્રદ્ધા વાલકરની હત્યાના કેસમાં ગળું દબાવીને તેની હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરીને ફ્રિજમાં ભરી રાખ્યા હતા. એ પછી એ ટુકડા થોડા-થોડા દિવસે દિલ્હીના મેહરૌલીના જંગલમાં ફેંકી આવનાર તેના બૉયફ્રેન્ડ પર ગઈ કાલે દિલ્હીની સેશન્સ કોર્ટમાં હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપ ઘડવામાં આવ્યા હતા. કોર્ટે તેને પૂછ્યું કે તને આરોપ મંજૂર છે? તેણે ના પાડતાં હવે તેની સામે ટ્રાયલ ચાલશે.
દિલ્હીની સેશન્સ કોર્ટનાં ઍડિશનલ જજ મનીષા ખુરાના કક્કરે કહ્યું હતું કે આરોપી સામે પ્રાથમિક દૃષ્ટિએ આઇપીસીની કલમ ૩૦૨ (હત્યા) અને ૨૦૧ (પુરાવાનો નાશ કરવો) હેઠળ કેસ બને છે. આફતાબે કહ્યું હતું કે તે પોતાને દોષી માનતો નથી એટલે તેની સામે હવે ટ્રાયલ ચલાવવામાં આવશે. કોર્ટે કેસની સુનાવણી પહેલી જૂનથી કરવાનું નક્કી કર્યું છે અને ફરિયાદી પક્ષને એના પુરાવાની રજૂઆત કરવા કહ્યું છે.
આફતાબ પૂનાવાલાએ તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વાલકરની ૨૦૨૨ની ૧૮ મેએ ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેના શરીરના ટુકડા કરીને ફ્રિજમાં ભરી રાખ્યા હતા. એ પછી એ ટુકડા તેણે જંગલમાં ફેંકી દીધા હતા. મહિનાઓ બાદ શ્રદ્ધાના પિતાએ વસઈ પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધા મિસિંગ હોવાની ફરિયાદ નોંધાવી હતી. એ પછી કરાયેલી તપાસમાં દિલ્હી પોલીસે હત્યાનો કેસ ઓપન કર્યો હતો અને આફતાબની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી. આફતાબની નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ કેસમાં ૨૪ જાન્યુઆરીએ ૬,૬૨૯ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે કહ્યું કે મારી દીકરી શ્રદ્ધાની હત્યા કરનાર આફતાબને ફાંસીની સજા થવી જોઈએ.