01 December, 2022 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા મર્ડરકેસમાં મુંબઈ આવેલી દિલ્હી પોલીસની ટીમ ખાલી હાથે પાછી ફરી
મુંબઈ : શ્રદ્ધા વાલકર હત્યાકેસના આરોપી આફતાબ પૂનાવાલાની તપાસ સંદર્ભે અને એ કેસમાં વધુ પુરાવા મેળવવા દિલ્હી પોલીસની એક ટીમ વસઈમાં ધામા નાખીને બેઠી હતી. જોકે ખાસ કોઈ મહત્ત્વના પુરાવા ન મળતાં આખરે એ ગઈ કાલે પાછી દિલ્હી જતી રહી હતી. આફતાબે અહીં પણ જે પુરાવા હતા એનો નાશ કર્યો છે જેમાં મુખ્યત્વે શ્રદ્ધાના મોબાઇલનો સમાવેશ થાય છે. એ માટે એવું કહેવાય છે કે એ મોબાઇલ તેણે ભાઈંદરની ખાડીમાં ફગાવી દીધો છે. શ્રદ્ધાના મિસિંગની ફરિયાદ બાદ વસઈ પોલીસે આફતાબને પૂછપરછ માટે બોલાવ્યો હતો. વસઈ પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર એ વખતે પણ શ્રદ્ધાનો મોબાઇલ આફતાબ પાસે જ હતો. જોકે આફતાબને અંદાજ આવી ગયો હતો કે શ્રદ્ધાનો મોબાઇલ તેના માટે મુશ્કેલી બની શકે એમ છે. એટલે તે ભાઈંદર ગયો હતો અને એ પછી ખાડી પર પહોંચ્યો હતો. આફતાબે એ પણ નોંધી લીધું હતું કે ખાડી પાસે ક્યાં-ક્યાં સીસીટીવી કૅમેરા લાગેલા છે. એટલું જ નહીં, તેણે માછીમારો પાસેથી એ પણ જાણી લીધું કે ખાડી ૩૦થી ૩૫ ફુટ જેટલી ઊંડી છે. તેણે એ પણ માહિતી મેળવી કે ડૂબકીમારો કેટલે અંદર સુધી જઈને સર્ચ કરી શકે છે. આમ તેણે શ્રદ્ધાનો મોબાઇલ ખાડીમાં ફગાવતાં પહેલાં પૂરતી કાળજી લીધી કે એ ફોન પોલીસને ન મળે. જોકે તેણે જે લોકેશન પોલીસને બતાવ્યું હતું ત્યાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ એ જગ્યા પણ સાચી જ કહી હોય એવું નથી. શ્રદ્ધાના મોબાઇલ ઉપરાંત પણ કેટલાક પુરાવાનો આફતાબે નાશ કર્યો હતો એટલે દિલ્હી પોલીસને હાથ ન મળતાં આખરે એ દિલ્હી પાછી ગઈ છે.