EVM હૅક કરીને બતાવો અને મારી તમામ પ્રૉપર્ટી લઈ જાઓ

04 January, 2025 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPના ભૂતપૂર્વ સંસદસભ્ય રણજિતસિંહ નિમ્બાળકરે વિરોધ કરનારાઓને આપી ઓપન ચૅલેન્જ

રણજિતસિંહ નિમ્બાળકર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો પ્રચંડ બહુમતથી વિજય થયા બાદ વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડી દ્વારા ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. EVMમાં ગરબડ કર્યા વગર મહાયુતિને આટલો મોટો વિજય મળી જ ન શકે એવો આરોપ વિરોધીઓ કરી રહ્યા છે. EVMને કોઈ પણ રીતે હૅક કરવાની શક્યતા ન હોવાનું અનેક વખત ઇલેક્શન કમિશન કહી ચૂક્યું છે તો પણ પરાજયનું ઠીકરું EVM પર ફોડવાનું ચાલુ જ છે. શરદ પવાર જૂથના વિધાનસભ્ય ઉત્તમ જાનકરે થોડા દિવસ પહેલાં દાવો કર્યો હતો કે રાજ્યના ૧૫૦ વિધાનસભા મતદારસંઘમાં ગરબડ કરવામાં આવી છે અને આ ગરબડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અજિત પવાર ૨૦,૦૦૦ મતથી પરાજિત થશે.

આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના માઢાના ભૂતપૂર્વ સંસદસભ્ય રણજિતસિંહ નિમ્બાળકરે ગઈ કાલે EVM હૅક થાય છે એવું કહેનારાઓને ઓપન ચૅલેન્જ આપી છે. વિધાનસભ્ય ઉત્તમ જાનકરના આરોપ અને દાવાના જવાબમાં રણજિતસિંહ નિમ્બાળકરે કહ્યું હતું કે ‘EVM બાબતે આરોપ કરનારા ઉત્તમ જાનકર મારા સારા મિત્ર છે. તેમને મેં બે દિવસ પહેલા ફોન કરીને સલાહ આપી હતી કે ઉત્તમરાવ, મહારાષ્ટ્રની જનતામાં ભ્રમણા ફેલાવવાનું બંધ કરો, જો તમારી પાસે EVM હૅક કરવાની કોઈ સિસ્ટમ હોય તો ઇલેક્શન કમિશનની ચૅલેન્જ સ્વીકારો અને EVM હૅક કરીને બતાવો; તમે આ કરીને બતાવશો તો હું મારી તમામ પ્રૉપર્ટી તમારા નામે કરવા તૈયાર છું. ઉત્તમ જાનકર જ નહીં, મહારાષ્ટ્રની કોઈ પણ વ્યક્તિ મારી ચૅલેન્જ સ્વીકારશે તો હું તેને મારી મિલકત ગિફ્ટ તરીકે ખુશી-ખુશી આપી દઈશ. મતદાનકેન્દ્રમાં પોતે કોને મત આપ્યો છે એ વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ (VVPAT) સ્લિપમાં જોઈ શકાય છે. પરાજય થવાથી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ શરદ પવાર અને તેમની પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. શરદ પવારે ખોટી અફવા ફેલાવવાને બદલે જનતાનાં કામ કરવાની શરૂઆત કરવી જોઈએ.’

bharatiya janata party maharashtra news mumbai mumbai news