24 December, 2024 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરાર થઈ ગયેલો સૉફ્ટવેર એન્જિનિયર આરોપી સોહેલ શેખ.
કલ્યાણમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૪૫ વર્ષના સૉફ્ટવેર એન્જિનિયર સોહેલ શેખે તેની ૨૮ વર્ષની પત્નીને બૉસ સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું, પરંતુ પત્નીએ પતિની વાત ન માનતાં સૉફ્ટવેર એન્જિનિયરે પત્નીને ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હોવાનું જાણવા મળ્યું હતું.
કલ્યાણના બાજારપેઠ પોલીસ-સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ કલ્યાણ-વેસ્ટમાં સર્વોદય સૃષ્ટિ નામની હાઇપ્રોફાઇલ સોસાયટીમાં રહેતી ૨૮ વર્ષની એક પરિણીત મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ કહ્યું છે કે ‘મારો ૪૫ વર્ષનો પતિ સોહેલ હનીફુદ્દીન શેખ સૉફ્ટવેર એન્જિનિયર છે. તેણે અગાઉ લગ્ન કર્યાં હતાં તે મહિલાથી છુટકારો મેળવવા માટે તેને ૧૫ લાખ રૂપિયાની જરૂર હતી. આ રકમ પિતાના ઘરેથી લાવવા માટે સોહેલે મને એકથી વધુ વખત દબાણ કર્યું હતું. આ દરમ્યાન પાંચ ડિસેમ્બરે સોહેલે મને બૉસ સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું. જોકે હું એના માટે તૈયાર ન હોવાથી સોહેલ મારપીટ કરવાની સાથે અપશબ્દો કહેવા લાગ્યો હતો. આટલાથી પણ સંતોષ ન થતાં સોહેલે ત્રણ વખત તલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી હતી.’
ભારતીય ન્યાય સંહિતા અને મુસ્લિમ મહિલા (વિવાહ સંરક્ષણ) કાયદા ૧૦૨૯ અંતર્ગત સોહેલ શેખ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસમાં મામલો ગયો હોવાની જાણ થતાં સોહેલ શેખ પલાયન થઈ ગયો છે. આ ઘટનાની જાણ થતાં કલ્યાણ સહિત આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.