ખોટી રીતે વેલ્ડિંગ કરવાને લીધે તૂટી પડ્યું હતું છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું

27 September, 2024 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના માલવણમાં આવેલા રાજકોટ કિલ્લામાં નૌસેના દિવસે એટલે કે ગયા વર્ષે ૪ ડિસેમ્બરે છત્રપતિ શિવાજી મહારાજના ૩૫ ફીટ ઊંચા પૂતળાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

પૂતળું ઊભું કરતી વખતે ખોટી રીતે વેલ્ડિંગ કરવાને લીધે પાણી પૂતળાની અંદરના ભાગમાં પહોંચતાં કાટ લાગી ગયો

મહારાષ્ટ્રના માલવણમાં આવેલા રાજકોટ કિલ્લામાં નૌસેના દિવસે એટલે કે ગયા વર્ષે ૪ ડિસેમ્બરે છત્રપતિ શિવાજી મહારાજના ૩૫ ફીટ ઊંચા પૂતળાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. અનાવરણના માત્ર આઠ જ મહિનામાં એટલે કે ૨૬ ઑગસ્ટે આ પૂતળું તૂટી પડતાં મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો હતો. વિરોધ પક્ષોએ મહારાષ્ટ્રના આરાધ્યદેવ શિવાજી મહારાજનું અપમાન કરવાની સાથે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકીને સરકારને ઘેરી હતી. આથી રાજ્ય સરકારે આ મામલે તપાસસમિતિ નીમી હતી. 

આ સમિતિનો રિપોર્ટ આવી ગયો છે જેમાં જણાવ્યું છે કે પૂતળું ઊભું કરતી વખતે ખોટી રીતે વેલ્ડિંગ કરવાને લીધે પાણી પૂતળાની અંદરના ભાગમાં પહોંચતાં કાટ લાગી ગયો હતો અને પૂતળાની ફ્રેમની ક્વૉલિટી પણ સારી ન હોવાથી એ તૂટી પડ્યું હતું. તપાસસમિતિએ આ રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કર્યો છે જેમાં આ બાબત જણાઈ છે.

ઘટનાક્રમ
ઉલ્લેખનીય છે કે છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું તૂટી પડ્યા બાદ પૂતળું બનાવનારા જયદીપ આપટેની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ બાદ રાજ્ય સરકારે રાજકોટ કિલ્લામાં હવે ૬૦ ફીટની ઊંચાઈનું છત્રપતિ શિવાજી મહારાજનું નવું પૂતળું મૂકવાની જાહેરાત કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સ્ટૅચ્યુ ઑફ યુનિટીનું સૌથી ઊંચું પૂતળું ઊભું કરવા જે ટેક્નૉલૉજી વાપરવામાં આવી હતી એનો ઉપયોગ નવા પૂતળા માટે કરવામાં આવશે એટલું જ નહીં, ૧૦૦ વર્ષ ટકી શકશે એવી જવાબદારી લેનારી કંપનીને જ કૉન્ટ્રૅક્ટ આપવામાં આવશે એવું જાણવા મળ્યું હતું. 

mumbai news mumbai shivaji maharaj pune news pune narendra modi maharashtra news maharashtra