27 August, 2024 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બપોરે તૂટી પડેલા પૂતળાના અવશેષ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ચોથી ડિસેમ્બરે નૌસેના દિવસે સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં આવેલા રાજકોટ કિલ્લામાં લોકાર્પણ કરેલું ૩૫ ફીટ ઊંચાઈની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ગઈ કાલે બપોરના એક વાગ્યે અચાનક તૂટી પડી હતી. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું હિંદવી સ્વરાજ્યના સ્થાપકનું આ પૂતળું આઠ જ મહિનામાં ધરાશાયી થતાં શિવપ્રેમીઓમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.
સ્થાનિક પ્રશાસનના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસથી સિંધુદુર્ગમાં સતત પડેલા ભારે વરસાદ અને જોરદાર હવાથી પ્રતિમાને અસર થતાં એ બૂટના થોડા ઉપરના ભાગથી તૂટી પડી હોવાની શક્યતા છે. પૂતળું પડવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના બાદ વિરોધી પક્ષોના નેતાઓ મહાયુતિ સરકાર પર તૂટી પડ્યા છે. તેમણે કહ્યું હતું કે ૪૦૦ વર્ષ જૂનો શિવાજી મહારાજનો કિલ્લો અડીખમ છે, પણ આઠ મહિના પહેલાં ઉભારવામાં આવેલું છત્રપતિનું પૂતળું તૂટી પડ્યું છે. આમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે એટલે આ ઘટના બની હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.
પૂળતાનું કામ થાણેના કૉન્ટ્રૅક્ટરને અપાયું હતું?
બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ દાવો કર્યો છે કે ‘થાણે જિલ્લાના કૉન્ટ્રૅક્ટરને છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું બનાવવાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. તેણે કેવું નબળું કામ કર્યું હતું એ જણાઈ આવ્યું છે. આ કૉન્ટ્રૅક્ટ અને એની કંપનીને બ્લૅકલિસ્ટ કરી દેવી જોઈએ.’
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘વિરોધીઓ પાસે ટીકા કરવા માટે સમય જ સમય છે. હું એના પર ધ્યાન નથી આપતો. આ કમનસીબ ઘટના છે. છત્રપતિના પૂતળાની ડિઝાઇન નૌસેનાએ બનાવીને એને ઊભું કર્યું હતું.’
સ્થાનિક કલેક્ટરે કહ્યું હતું કે ૪૫ કિલોમીટરની ઝડપથી હવા ફૂંકાવાને લીધે એ તૂટી પડ્યું હોવાની શક્યતા છે, અમે આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
દરમ્યાન, પૂતળું તૂટી પડ્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્ય વૈભવ નાઈકે સાર્વજનિક બાંધકામ વિભાગની ઑફિસમાં તોડફોડ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.