મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીમાં ભંગાણ

12 January, 2025 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવસેના રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડશે એવું જાહેર કર્યું સંજય રાઉતે

સંજય રાઉત

ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે જાહેર કર્યું હતું કે રાજ્યની મુંબઈ સહિત તમામ મહાનગરપાલિકાની ચૂંટણી શિવસેના (UBT) એકલા હાથે લડશે. સંજય રાઉતના આ નિવેદનથી રાજ્યમાં મહા વિકાસ આઘાડીમાં ફૂટ પડવાની શરૂઆત થઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે.

સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે ‘નાગપુરથી મુંબઈ સુધી અમે મહાનગરપાલિકાની ચૂંટણી સ્વબળે લડીશું. એક વખત અમારે જોઈ લેવું છે, પછી જે થવું હોય એ ભલે થાય; અમે આવો નિર્ણય લીધો છે. મુંબઈ, થાણે અને નાગપુરમાં કાર્યકરોને તક આપવી જરૂરી છે. કાર્યકરોને તક ન આપીએ તો પક્ષને વધારવામાં ફટકો પડે છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી પણ બધા પક્ષોએ સ્વતંત્ર રીતે લડવી જોઈએ અને પોતપોતાના કાર્યકરોને તક આપવી જોઈએ. લોકસભાની ચૂંટણી વખતે ઇન્ડિયા ગઠબંધનની સ્થાપના કરી હતી. એ પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીની સ્થાપના કરી હતી. આ બન્ને ગઠબંધનમાં એક વાત ધ્યાનમાં આવી છે કે પક્ષના અનેક કાર્યકરોની ચૂંટણી લડવાની ઇચ્છા પૂરી નથી થતી. આ જ કારણસર અમે તમામ મહાનગરપાલિકાની ચૂંટણી સ્વતંત્ર લડવાનો નિર્ણય લીધો છે.’

સુપ્રિયા સુળેએ કહ્યું?
શરદ પવારનાં સંસદસભ્ય પુત્રી સુપ્રિયા સુળેએ સંજય રાઉતના નિવેદન વિશે કહ્યું હતું કે ‘મહા વિકાસ આઘાડીમાં સામેલ હોવા છતાં મહાનગરપાલિકાની ચૂંટણી બધા પક્ષોએ સ્વતંત્ર લડી હતી. આથી સંજય રાઉતે જે કહ્યું છે એમાં નવું શું છે? મહાનગરપાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણી કાર્યકરોની હોય છે. બધી ચૂંટણી બધી પાર્ટી પોતપોતાની અનુકૂળતા મુજબ લડવા લાગશે તો કાર્યકરોએ શું માત્ર એકબીજા પક્ષનું કામ જ કરતા રહેવું? તેમને ન્યાય ક્યારે મળશે?’

કૉન્ગ્રેસે શું કહ્યું?
સંજય રાઉતના નિવેદન વિશે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘સંજય રાઉત તેમના પક્ષના મોટા નેતા છે. આથી તેમણે પક્ષની ભૂમિકા માંડી હશે. આમ છતાં અમે ઉદ્ધવ ઠાકરે સાથે એક વખત ચર્ચા કરીને તેમને મહાનગરપાલિકાની ચૂંટણી સાથે લડવાની વિનંતી કરીશું. તેઓ ના પાડશે તો અમે અમારી રીતે નિર્ણય લઈશું. કૉન્ગ્રેસ અને શરદ પવાર અનેક વર્ષ યુતિમાં સાથે હતાં. આથી અમે બન્ને પક્ષ આગળનો વિચાર કરીશું.’

sanjay raut uddhav thackeray shiv sena maha vikas aghadi municipal elections maharashtra maharashtra news political news news mumbai mumbai news