09 October, 2024 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચતુર્વેદી
હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં સતત ત્રીજી વખત વિજય મેળવ્યો એના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા છે. તમામ તાકાત લગાવ્યા બાદ પણ કૉન્ગ્રેસ BJPને હરિયાણામાં હરાવી ન શકતાં ઉદ્ધવ ઠાકરે જૂથનાં રાજ્યસભાનાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ખૂબ મોટો સત્તાવિરોધી જુવાળ હોવા છતાં વિજય મેળવવા માટે હું BJPને અભિનંદન આપું છું. કૉન્ગ્રેસ પાર્ટીએ પોતાની રણનીતિમાં ફેરફાર કરવાની જરૂર છે, કારણ કે જ્યાં પણ સીધી લડાઈ થાય છે ત્યાં BJP સામે કૉન્ગ્રેસ નબળી પુરવાર થાય છે.’
જોકે પ્રિયંકા ચતુર્વેદીએ હરિયાણાના રિઝલ્ટની અસર મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણી પર નહીં થાય એ વિશે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મુદ્દા હરિયાણાથી અલગ છે. અહીં સત્તા મેળવવા માટે BJPએ પાર્ટીઓ અને પરિવારોને તોડ્યાં છે. ઇલેક્શન કમિશન અને બંધારણનો દુરુપયોગ કર્યો છે. મહારાષ્ટ્રના ઉદ્યોગ બીજાં રાજ્યોમાં લઈ જવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર ભાવનાઓને આધારે મત કરશે.’
પ્રિયંકા ચતુર્વેદીના માધ્યમથી કૉન્ગ્રેસને સંકેત આપવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની જેમ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્ર વિધાનસભાની કમાન સોંપવામાં આવશે તો જ કૉન્ગ્રેસને સફળતા મળશે. હરિયાણામાં BJPના વિજયથી મહાવિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતી અને મુખ્ય પ્રધાનપદ માટે કૉન્ગ્રેસ બૅકફુટ પર જતી રહી છે. ગઈ કાલે સાંજે ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની માગણી કરી હતી.