10 October, 2023 08:40 AM IST | Mumbai | Rohit Parikh
ઘાટકોપરના હવેલી બ્રિજ પર આવેલા સર્કલ પર તોડી પાડવામાં આવેલા ગુજરાતી અક્ષરોને હવે ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. (તસવીર : સતેજ શિંદે)
ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટને જોડતા હવેલી પુલ પર શનિવારે મોડી રાતે ઉદ્ધવ ઠાકરેના કાર્યકરો દ્વારા સર્કલ પર લખવામાં આવેલા ડેકોરેટિવ શબ્દોમાંથી ગુજરાતી અક્ષરોને તોડી પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૨૦૧૬માં નગરસેવક ફન્ડમાંથી આ સૌંદર્યકરણ કરનારા નેતા પ્રવીણ છેડાએ ગઈ કાલે ‘એન’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર, મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર, ચીફ મિનિસ્ટર, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, મુંબઈ પોલીસ કમિશનર, મુંબઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આશિષ સેલાર, ઈશાન મુંબઈના ભારતીય જનતા પર્ટીના સંસદસભ્ય મનોજ કોટક અને ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પરાગ શાહને પત્ર લખીને આ હવેલી પુલ પર ‘મારું ઘાટકોપર’ બોર્ડને ફરીથી લગાડી આપવાની માગણી કરી છે.
આ બાબતની માહિતી આપતાં પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માનનીય હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ એક જાહેર સભામાં કહ્યું હતું કે ગુજરાતીની લક્ષ્મી અને મરાઠીની સરસ્વતી એકત્રિત રાખીને મહારાષ્ટ્ર અને મુંબઈનો વિકાસ કરવાનો છે. આ શબ્દો અચાનક ઉદ્ધવ શિવસૈનિક ભૂલી ગયા કે શું? ૨૦૧૬ની ૧૫ ઑગસ્ટે નગરસેવક ફન્ડમાંથી કરેલા આ ચોકનું સુશોભીકરણ અને સૌંદર્યકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે કોઈ ગુજરાતી-મરાઠીનો વિવાદ નહોતો. બધા જ એકસાથે મળીને કાર્ય કરતા હતા. આ ચોકનો આકાર ત્રિકોણીય હોવાથી એક બાજુ માઝં ઘાટકોપર, બીજી બાજુ માય ઘાટકોપર અને ત્રીજી બાજુ મારું ઘાટકોપર લખવામાં આવ્યું હતું. આજે ઘાટકોપરમાં રહેલી ગુજરાતી અને મરાઠી તેમ જ અન્ય ભાષીઓની એકતાને લક્ષમાં રાખીને ‘વસુદેવ કુટુંબકમ’ એવું બૉર્ડ પણ લગાડવામાં આવ્યું છે. આજ સાત વર્ષમાં કોઈ રાજકીય પક્ષ કે સામાજિક સંસ્થાએ આ પુલ પર લગાડવામાં આવેલાં મારું ઘાટકોપર બૉર્ડની વિરોધમાં એક શબ્દ પણ વિરોધમાં ઉચ્ચાર્યો નથી. અચાનક શનિવારે એવું શું બન્યું કે ઘાટકોપરના વર્ષો જૂનાં ગુજરાતી-મરાઠી વચ્ચેના ભાઈચારાને તોડવા માટે પહેલાં મારું ઘાટકોપર બૉર્ડને નિશાના બનાવીને તેને તોડી પાડવામાં આવ્યું. આવો ભાષાવાદ નિર્માણ કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શિવસેના સામાજિક વિવાદ ઊભા કરીને શું સાબિત કરવા ઈચ્છે છે. ફક્ત ઘાટકોપરમાં જ નહીં આનાથી સમગ્ર મુંબઈમાં અશાંતિનું વાતાવરણ નિર્માણ થાય છે.’
આ પત્ર મારફત મારી એક જ વિનંતી છે એમ કહીને પ્રવીણ છેડાએ કહ્યું હતું કે ‘મુંબઈ ગુજરાતી વચ્ચેની એકતાને તોડવાનો કોઈ પ્રયાસ કરે નહીં અને મારું ઘાટકોપર બૉર્ડને ફરીથી પ્રસ્થાપિત કરવા સૌ આગળ આવે.’
પ્રવીણ છેડા ફરીથી હવેલી પુલના ચોક પર મારું ઘાટકોપર’ બૉર્ડ લગાડવાની માગણી કરી રહ્યા છે ત્યારે ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતાં અને વિવાદસ્પદ જગ્યાથી ૧૦૦ મીટરના જ અંતરે આવેલાં ‘એન’ વૉર્ડના આસિસ્ટન્ટ કમિશનર ગજાનન બેલ્લારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આવું કોઈ બૉર્ડ તોડી નાખ્યું હોવાની જાણકારી પંતનગર પોલીસ-સ્ટેશનમાંથી મળી હતી. ત્યારબાદ અમે અમારા રૅકોર્ડ ચેક કર્યા પણ આવું બૉર્ડ હોવાનો અમારી પાસે કોઈ જ રૅકોર્ડ નથી. અમે એની તપાસ કરી રહ્યા છીએ.’
આ પહેલાં અમે પંતનગર પોલીસને ૮ ઓકટોબરના પત્ર લખીને કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધી રોડના હવેલી પુલ પર મહાનગરપાલકા તરફથી ટ્રાફિક-બેટનું સૌદર્યકરણ કરવામાં આવ્યું હતું. આ બેટ પર માઝં ઘાટકોપર, માય ઘાટકોપર અને મારું ઘાટકોપર લખેલાં બૉર્ડ મૂકવામાં આવ્યા હતા. તમારા તરફથી અમને જાણવા મળ્યું કે, આમાંથી મારું ઘાટકોપર બૉર્ડ લોકોએ તોડી પાડ્યું છે. તો અમે વિનંતી કરીએ છીએ કે, સંબંધિત કૃત્યની નોંધ લઈને તમારા વિભાગ તરફથી યોગ્ય કાર્યવાહી કરશો.’
‘એન’ વૉર્ડના આ પત્ર પછી પંતનગર પોલીસ શુ કાર્યવાહી કરી?કોઈની સામે ગુનો નોંધ્યા છે કે નહીં એ તપાસ કરતા પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઈન્સપેકટર રવિદત્ત સાવંતે ‘મિડ-ડે’ને કહયું હતું કે ‘અમે હજુ સુધી કોઈ જ ગુનો નોંધ્યો નથી. કારણ કે મહાનગરપાલિકા તરફથી કોઈ ફોલોઅપ કરવામાં આવ્યું નથી. અમારી મહાનગપાલિકા સાથેની મીટિંગમાં ‘એન’ વૉર્ડના અધિકારીએ અમને કહ્યું હતું કે, અમારી પાસે જે નામના બૉર્ડને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે તેનો કોઈ જ રૅકોર્ડ નથી. અમે રૅકોર્ડ તપાસ કરી રહ્યા છીએ. અમે આ મુદ્દે (મહાનગરપાલિકા) અમારા લીગલ ડિપાર્ટમેન્ટની પણ સલાહ લઈ રહ્યા છીએ. મહાનગરપાલિકાના આ વલણને લીધે અમે હજુ સુધી કોઈની સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી નથી.’
આ બધામાં ચોંકાવનારી વાત એ છે કે જે ચોકનું ૨૦૧૬માં બીએમસીની પરવાનગી બાદ કામ શરૂ કરીને લોકાપર્ણ કરવામાં આવ્યું હતું અને જેમાં એ સમયના સુધરાઈના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા એ ચોક બીએમસીના રેકોર્ડમાં જ નથી એવું જુઠ્ઠાણું બીએમસી શું કામ ચલાવી રહી છે એવો પશ્ન લોકોને થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે એક પલ માટે બીએમસી જે કહે છે એ માની લઈએ તો છેલ્લાં સાત વર્ષથી સુશોભિત કરવામાં આવેલા આ ચોકને ગેરકાયદે જાહેર કરીને એની સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી. રાજકારણીઓની જેમ બીએમસી અને પોલીસ પણ આ મુદ્દા પર રાજકારણ કરી રહી હોવાનું ઘાટકોપરના ગુજરાતીઓને અત્યારે લાગી રહ્યું છે.