શિવસેના UBTના આ પૂર્વ કૉર્પોરેટરે ટ્રેન નીચે સૂઈ જઈ જીવન ટૂંકાવ્યું

01 September, 2023 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેના UBT જૂથના પૂર્વ કોર્પોરેટર સુધીર મોરેએ આત્મહત્યા કરી લીધી છે. તેમણે ઘાટકોપર અને વિદ્યાવિહાર રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

શિવસેના UBT જૂથના પૂર્વ કોર્પોરેટર - સુધીર મોરે

મુંબઈમાંથી રાજકીય ક્ષેત્રમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ શિવસેના UBT જૂથ (Shiv Sena)ના એક પૂર્વ કોર્પોરેટરે આત્મહત્યા કરી લીધી છે. શિવસેના ઠાકરે જૂથના આ પૂર્વ કોર્પોરેટરનું નામ સુધીર મોરે સામે આવ્યું છે. તેઓએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે.

મળતી માહિતી મુજબ આ પૂર્વ કોર્પોરેટરે ઘાટકોપર અને વિદ્યાવિહાર રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. જો કે, શિવસેના UBT જૂથના આ પૂર્વ કોર્પોરેટરે આવું જીવન ટૂંકાવવાનું પગલું શા માતે લીધું તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. 

શિવસેના UBT જૂથના પૂર્વ નેતા સુધીર મોરેના નિધનથી રાજકીય ક્ષેત્ર શોકમાં ગરકાવ થયું છે. વિક્રોલી પાર્ક સાઈટ વિસ્તારમાં આ પૂર્વ કોર્પોરેટરનો જબરદસ્ત જનસંપર્ક હતો. તેઓ આ વિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવતા હતા. આ સાથે તેઓએ રત્નાગીરી જિલ્લાના સંપર્ક વડા તરીકે સારી કામગીરી બજાવી હતી. શિવસેનાના અનેક કાર્યકર્તાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેઓને શ્રદ્ધાંજલિ આપતા પૂર્વ મંત્રી અનિલ પરબે કહ્યું હતું કે, “એક વફાદાર શિવસૈનિકનું નિધન થયું છે.”

શિવસેના UBT જૂથના આ પૂર્વ કોર્પોરેટરનો મૃતદેહ ઘાટકોપર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓએ ગુરુવારે તેમના સુરક્ષા ગાર્ડને ફોન કર્યો હતો. તેઓએ પોતાના અંગત સુરક્ષા ગાર્ડને એમ કહ્યું હતું કે તેઓ અંગત કામ માટે બહાર જઈ રહ્યા છે. તેઓએ પોતાના અંગત બોડી ગાર્ડને સાથે પણ લીધો નહોતો. અને શિવસેના UBT જૂથના પૂર્વ કોર્પોરેટર સુધીર મોરેનો  મૃતદેહ 31 ઓગસ્ટની રાત્રે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો.

તેમ જ સુધીર મોર કારમાં નહીં પણ રિક્ષામાં બેસીને બહાર અંગત કામ માતે નીકળ્યા હતા. ત્યારબાદ ઘાટકોપર અને વિદ્યાવિહાર વચ્ચેના રેલવે ટ્રેક પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એવી માહિતી છે કે રાત્રે લગભગ 11.30 વાગ્યે તે રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો. લોકલ ટ્રેનના એક મોટરમેને ટ્રેક પર કોઈ વ્યક્તિને સૂતેલી જોતાં જ લોકલ ટ્રેનની સ્પીડ ધીમી કરી હતી. પરંતુ સૂતેલ સુધીર મોરે ઊભા થયા નહોતા. અને આખરે લોકલ ટ્રેન નીછે કચડાઈ જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સુધીર મોરે ઉદ્ધવ ઠાકરેના કટ્ટર સમર્થક હતા. સુધીર સુધીર મોરે મુંબઈમાં વિક્રોલી પાર્કસાઈટ ખાતે શિવસેનાના કોર્પોરેટર હતા અને ઉત્તર પૂર્વ મુંબઈના ભૂતપૂર્વ વિભાગીય વડા પણ હતા. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે રહ્યા હતા. તેમણે ઘાટકોપર પશ્ચિમ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રામ કદમ સામે વિધાનસભા ચૂંટણી પણ લડી હતી.

mumbai news shiv sena uddhav thackeray mumbai crime news mumbai railways ghatkopar vikhroli ratnagiri mumbai maharashtra news maharashtra political crisis