ઉદ્ધવ ઠાકરેએ માનસિક સંતુલન ગુમાવ્યું છે, ગેટ વેલ સૂન

11 February, 2024 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિષેક ઘોસાળકરની હત્યા બાબતે દેવેન્દ્ર ફડણવીસે માનસિક ચકાસણી કરાવવી જોઈએ એવો ઉદ્ધવ ઠાકરેએ ટોણો મારતાં ફડણવીસે આપ્યો એનો જવાબ

દેવેન્દ્ર ફડણવીસ

ઉપનગર દ​હિસરમાં આઠમી ફેબ્રુઆરીએ બનેલા ગોળીબારના બનાવને પગલે એકમેકની માનસિક સ્થિતિ અંગે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પરસ્પર ટોણો માર્યો હતો.

સોશ્યલ ઍક્ટિ​વિસ્ટ મૉ​રિસ નોરોન્હાએ ફેસબુક પર લાઇવ સેશન દરમિયાન શિવસેના (યુબીટી)ના નેતા અભિષેક ઘોસાળકરની હત્યા કર્યા બાદ પોતાની જિંદગી ટૂંકાવી એ બનાવ અંગે પોતાના રાજીનામાની માગણીને ફગાવી દઈને એકનાથ શિંદેની સરકારમાં ગૃહ ખાતાનો અખત્યાર ધરાવતા ફડણવીસે વળતો જવાબ આપ્યો હતો કે ‘આ (ઘોસાળકરની હત્યા) એક ગંભીર બનાવ છે, પરંતુ જો કોઈ કૂતરો વાહન નીચે આવી જાય તો તેઓ (વિરોધ પક્ષ) ગૃહપ્રધાનનું રાજીનામું માગશે.’

મુંબઈમાં શનિવારે પત્રકાર પરિષદને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ આ ટિપ્પણી પર પ્રહાર કર્યો હતો અને ગૃહપ્રધાન માનસિક રીતે બીમાર છે કે કેમ એવો પ્રશ્ન કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘અગાઉ મેં તેમને (ફડણવીસને) કલંક અને બિનકાર્યક્ષમ તરીકે ઓળખાવ્યા હતા, પરંતુ હવે મારી પાસે શબ્દો નથી. મારું માનવું છે કે તેમણે માનસિક ચકાસણી કરાવવી જોઈએ. ઘોસાળકરની હત્યા અંગે તેમની ટિપ્પણી ઉપરથી એમ જણાય છે કે આપણા રાજ્યને માનસિક બીમાર ગૃહપ્રધાન મળ્યા છે.’

એના પર વળતો પ્રહાર કરીને ફડણવીસે જણાવ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ માનસિક સંતુલન ગુમાવ્યું છે. હું એટલું જ કહી શકું કે ઝડપથી સાજા થઈ જાવ.’ ફડણવીસ નાશિકમાં પત્રકારોને સંબોધી રહ્યા હતા.

mumbai news mumbai uddhav thackeray devendra fadnavis