મહારાષ્ટ્ર સરકાર બરખાસ્ત, નવી સરકારની સ્થાપના થાય ત્યાં સુધી એકનાથ શિંદે કૅરટેકર મુખ્ય પ્રધાન રહેશે

27 November, 2024 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો પણ મોટો ફાળો હોવાનો દાવો કરીને શિવસેનાના નેતાઓ એકનાથ શિંદેને જ ફરી મુખ્ય પ્રધાન તરીકે જોવા માગે છે

ગઈ કાલે એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે રાજભવન જઈને ગવર્નર સી.પી. રાધાક્રિષ્નનને રાજીનામું સુપરત કર્યું હતું.

મહારાષ્ટ્ર વિધાનસભાની પાંચ વર્ષની મુદત ગઈ કાલે પૂરી થઈ હતી ત્યારે સવારના સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બન્ને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા હતા. એકનાથ શિંદેએ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મુખ્ય પ્રધાનપદનું રાજીનામું આપ્યું હતું. આ સાથે જ રાજ્યની ૧૪મી વિધાનસભા બરખાસ્ત થઈ હતી. જોકે નવી સરકારની સ્થાપના નથી થઈ એટલે રાજ્યપાલે એકનાથ શિંદેને કૅરટેકર મુખ્ય પ્રધાન તરીકે રહેવા કહ્યું છે.‍

વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો પણ મોટો ફાળો હોવાનો દાવો કરીને શિવસેનાના નેતાઓ એકનાથ શિંદેને જ ફરી મુખ્ય પ્રધાન તરીકે જોવા માગે છે. એ માટે તેમણે પૂજા-આરતી કરવાની સાથે ગઈ કાલે શક્તિપ્રદર્શન કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો, પણ સોમવારે મોડી રાતે એકનાથ શિંદેએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે ‘મહાયુતિના પ્રચંડ વિજય બાદ રાજ્યમાં ફરી આપણી સરકારની સ્થાપના થશે. મહાયુતિ તરીકે આપણે સાથે મળીને ચૂંટણી લડ્યા અને આજે પણ સાથે જ છીએ. મારા પ્રત્યેના પ્રેમને લીધે કેટલાક નેતાઓએ બધાને એકત્રિત કરવાનું, મુંબઈ પહોંચવાનું આહવાન કર્યું છે. આ રીતે મારા સમર્થનમાં કોઈએ કંઈ કરવું નહીં. હું બધાને વિનંતી કરું છું કે શિવસેનાના કાર્યકરોએ વર્ષા બંગલાએ કે બીજી કોઈ પણ જગ્યાએ એકત્રિત ન થવું. સમર્થ અને સમૃદ્ધ મહારાષ્ટ્ર માટે મહાયુતિ હતી અને ભવિષ્યમાં પણ મજબૂત રહેશે.’

સોમવારે આગામી સરકારમાં મુખ્ય પ્રધાનપદ નહીં મળે એવો સંકેત દિલ્હીથી મળ્યા બાદ એકનાથ શિંદે નારાજ થઈ ગયા છે એનો એકનાથ શિંદેના સોમવારે મોડી રાતના આ મેસેજ બાદ છેડ ઊડી ગયો છે. ગઈ કાલે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર રાજભવન ગયા હતા. એ પહેલાં મુંબઈના ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો અને શહીદ થયેલા પોલીસ માટે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપવા પણ ગયા હતા. 

maha yuti bharatiya janata party devendra fadnavis eknath shinde shiv sena ajit pawar nationalist congress party maharashtra assembly election 2024 assembly elections maharashtra news maharashtra mumbai mumbai news