10 December, 2022 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના મુખપત્ર ‘સામના’માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપીની કાયમ આકરી ટીકા કરતા લેખ લખવામાં આવે છે. જોકે વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ગઈ કાલે આ મુખપત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં બે મોઢે વખાણ કરવામાં આવ્યાં હતાં. ગુજરાતમાં ગાંધી અને સરદારનાં ભવ્ય પૂતળાં મૂકવામાં આવ્યાં છે, પરંતુ ગુજરાતની ઓળખ અને અસ્મિતા નરેન્દ્ર મોદી જ છે એવું એમાં લખવામાં આવ્યું હતું.
શિવસેનાના મુખપત્ર ‘સામના’માં ગઈ કાલે લખવામાં આવ્યું હતું કે ‘ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા સમય પહેલાં મોરબીમાં પુલનો ભાગ તૂટી પડવાની દુઃખદ ઘટના બની હતી, જેનાથી રાજ્યભરમાં દુઃખની લાગણી ફેલાઈ હતી. જોકે એ નરેન્દ્ર મોદીના વાવાઝોડાને રોકી નથી શકી, કારણ કે નરેન્દ્ર મોદી ગુજરાતના ગૌરવ પુરુષ છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન તરીકે નવા હતા. રાજ્યના પ્રધાનમંડળમાં તમામ જૂના ચહેરાને બદલીને મોદીએ સૌને ચોંકાવ્યા હતા. તેઓ ચૂંટણીના મેદાનમાં કોરી પાટી સાથે ઊતર્યા હતા એનો ફાયદો થયો છે. બીજું, મોદીને લીધે ગુજરાત વિકાસના પંથે ઝડપથી જઈ રહ્યું છે. વિશ્વસ્તરના અનેક પ્રોગામ ગુજરાતમાં થઈ રહ્યા છે અને વિશ્વના નેતાઓ સાબરમતી, અમદાવાદમાં મોદીને લીધે જ ઊતરે છે.’
‘સામના’માં આગળ લખાયું હતું કે ‘નરેન્દ્ર મોદી જ ગુજરાતની ઓળખ અને અસ્મિતા છે એ ગુજરાતના મતદારોએ બતાવી દીધું છે. આપ અને કેજરીવાલે ગુજરાતમાં જઈને ફક્ત હવા ઊભી કરી અને ગુજરાતમાં આગામી સરકાર અમારી જ છે એવા દાવા કર્યા. તેમની સભામાં ગિરદી થઈ, પણ આપે કૉન્ગ્રેસના મત કાપ્યા. આપને લીધે થયેલા મતવિભાજને બીજેપીનો વિજય સરળ બનાવી દીધો. જોકે ગુજરાતમાં આપ ન હોત તો પણ બીજેપી વિજય મેળવત, પણ કૉન્ગ્રેસની સ્થિતિ કદાચ આટલી ખરાબ ન થાત.’
સીમાવિવાદમાં અમિત શાહ મધ્યસ્થી કરશે
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સીમાવિવાદ વકર્યો છે ત્યારે ગઈ કાલે મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતાઓનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યું હતું. એનસીપીના નેતા અમોલ કોલ્હેએ આ વિશે કહ્યું હતું કે ‘ગૃહપ્રધાને અમારી સીમા વિવાદ સંબંધી ચિંતાની વાત શાંતિથી સાંભળી હતી અને તેમણે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્ય પ્રધાનો સાથે ૧૪ ડિસેમ્બરે વાત કરશે અને સીમા વિવાદનો શાંતિથી ઉકેલ લાવવાનો રસ્તો શોધવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે ગુરુવારે મહાવિકાસ આઘાડીના સાંસદોએ અમિત શાહને સીમા વિવાદ બાબતે એક પત્ર લખ્યો જેમાં તેમણે નોંધ્યું હતું કે સીમા વિવાદ વકરી રહ્યો છે અને બંને રાજ્યમાં હિંસક ઘટનાઓ બની શકે છે એટલે આપ આમાં મધ્યસ્થી કરો. આ પત્ર મળ્યા બાદ અમિત શાહે ગઈ કાલે વિરોધ પક્ષના સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી હતી.
પવારસાહેબ, ૪૮ કલાકના અલ્ટિમેટમનું શું થયું?
શરદ પવારે બે દિવસ પહેલાં કહ્યું હતું કે સીમા વિવાદ બાબતે મરાઠીઓ પર થઈ રહેલા અન્યાયનો ઉકેલ કાઢવામાં નહીં આવે તો ૪૮ કલાકમાં હું બેલગામ જઈશ. આ વાતને ૪૮ કલાકથી વધુ સમય થઈ ગયો છે અને શરદ પવાર બેલગામ ગયા નથી ત્યારે બીજેપીના નેતા નીલેશ રાણેએ ટ્વીટ કરીને ગઈ કાલે શરદ પવારને યાદ કરાવ્યું હતું કે ૪૮ કલાકના અલ્ટિમેટમનું શું થયું? એકનાથ શિંદે જૂથનાં પ્રવક્તા શીતલ મ્હાત્રેએ પણ પવારને નિશાન પર લેતાં ગઈ કાલે ટ્વીટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘તે ૪૮ કલાકમાં મુલાકાત લેવાના હતાને? ગયા છે? કે માત્ર કર નાટક?’