બુલેટ ટ્રેનની આડે આવતું એક વિઘ્ન દૂર કરવાની શિવસેનાએ તૈયારી બતાવી

16 August, 2021 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટનલ બનાવવા માટેની જમીન ટ્રાન્સફર કરવા બાબતે થાણે મહાનગરપાલિકાએ આખરે નરમ વલણ અપનાવ્યું

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારના મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે નૅશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી)ની હદમાં શીલ-ડાયઘર પાસે ૩૯૨૦ સ્ક્વેર મીટરની જગ્યા ટનલનો એન્ટ્રી પૉઇન્ટ બાંધવા માટે માગી હતી. પાંચ વખત એ માટેનો પ્રસ્તાવ શિવસેનાની બહુમતી ધરાવતા ટીએમસીમાં મુકાયો હતો, પણ દર વખતે એનો જોરદાર વિરોધ કરાયો હતો. જોકે હવે આ બાબતે ટીએમસીનું વલણ થોડું નરમ પડ્યું હોવાનું જણાય છે અને આ અઠવાડિયે થનારી ટીએમસીની જનરલ બૉડીની બેઠકમાં એના પર ચર્ચા કરીને મંજૂરી અપાય એવી શક્યતા છે.

મેટ્રો-૩ના યાર્ડ માટે કાંજુરમાર્ગની મીઠાના અગરની જગ્યા જે કેન્દ્ર સરકાર હેઠળ આવતી હતી એની ટ્રાન્સફરને લઈને થયેલા વિવાદને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે મતમતાંતર થતાં તેમની વચ્ચેના સંબંધ તંગ હતા. એથી બુલેટ ટ્રેનના ઉપરોક્ત મુદ્દે પાંચ વખત રજૂઆત કરવા છતાં એને મંજૂરી અપાતી નહોતી અને પ્રોજેક્ટ અટકી પડ્યા જેવું જ હતું. જોકે હવે શિવસેના નરમ પડતાં એને મંજૂરી અપાય એમ લાગે છે એવું આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.

બુલેટ ટ્રેન થાણે જિલ્લામાંનાં ૯ ગામમાંથી પાસ થવાની છે. એમાં શીલ, દેવાલે, પડલે, અગાસણ, બેટાવડે અને માતાર્ડીનો સમાવેશ થાય છે. દિવા નજીકના માતાર્ડીમાં એનું સ્ટેશન પણ બનવાનું છે. જગ્યાની બાબતે નૅશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડે ટીએમસીને માર્કેટભાવે ૬.૯૨ કરોડ રૂ​પિયામાં એ જગ્યા ખરીદવાની ઑફર આપી છે અને એ જગ્યાનું ટાઇટલ પોતાને આપવા કહ્યું છે. આ પ્રપોઝલ ગયા વર્ષની શરૂઆતમાં જ તૈયાર કરાઈ હતી, પણ ટીએમસીમાં એનો વાંરવાર વિરોધ કરાયો હતો.    

mumbai mumbai news bullet train ahmedabad shiv sena