શિવસેનાએ તમામ વિધાનસભ્યોને હાજર રહેવા વ્હિપ બહાર પાડતાં બબાલ થઈ

28 February, 2023 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના સત્તાસંઘર્ષની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં બજેટ સેશનના પહેલા દિવસે વ્હિપ બહાર પાડવા સામે ઉદ્ધવ ઠાકરે જૂથે સવાલ ઉઠાવ્યા

ગઈ કાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનાં વિધાયક સરોજ આહિરે ચાર મહિનાના બાળકને લઈને વિધાનભવનમાં આવ્યાં હતાં. તસવીર: સૈયદ સમીર અબેદી.

મુંબઈ : રાજ્યના બજેટસત્રની ગઈ કાલથી નાગપુરમાં શરૂઆત થઈ હતી. આ સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ પક્ષના તમામ વિધાનસભ્યોને સત્રમાં હાજર રહેવા માટે વ્હિપ જારી કર્યો હતો. આમ કરવાથી ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટે મનાઈ કરી હોવા છતાં વ્હિપ જારી કરાતાં વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરવાની ધમકી તેમણે આપી હોવાનું જાણવા મળ્યું હતું.

આ વિશે શિવસેનાના વ્હિપ ભરત ગોગાવલેએ પત્રકારોને માહિતી આપી હતી કે ‘શિવસેનાના વિધાનસભ્યોને બજેટ અધિવેશનમાં હાજર રહેવા માટે વ્હિપ જારી કરવામાં આવ્યો છે. તમામ પંચાવન વિધાનસભ્યોનો એમાં સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો છે. અધિવેશનમાં હાજર રહેવાનું કહેવું એ કાર્યવાહી ન કહેવાય.’

આની સામે ઉદ્ધવ ઠાકરે જૂથના વ્હિપ સુનીલ પ્રભુએ કહ્યું હતું કે ‘અમારી ઉપસ્થિતિ બાબતે જે વ્હિપ જારી કરવાનો હશે એ અમે કરીશું. તેઓ અમને વ્હિપ જારી ન કરી શકે. એકનાથ શિંદે જૂથના વકીલે સુપ્રીમ કોર્ટની સુનાવણી વખતે કહ્યું હતું કે કોઈ પણ વ્હિપ જારી નહીં કરાશે. આમ છતાં તેમણે આવું કર્યું છે. આથી અમે આ મામલે ફરી સુપ્રીમ કોર્ટમાં જઈશું.’

વિધાનસભ્ય ન હોવા છતાં મિલિંદ નાર્વેકર સભાગૃહમાં પહોંચી ગયા

નાગપુરમાં ગઈ કાલથી શરૂ થયેલા બજેટસત્રના સભાગૃહમાં ઉદ્ધવ ઠાકરે પરિવારના નજીકના નેતા મિલિંદ નાર્વેકર વિધાનસભ્ય ન હોવા છતાં પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બાદમાં આદિત્ય ઠાકરેએ તેમને ભૂલ થઈ હોવાનું કહેતાં મિલિંદ નાર્વેકર સભાગૃહની બહાર નીકળી ગયા હતા. જોકે સવાલ એ છે કે સભાગૃહની સિક્યૉરિટીએ મિલિંદ નાર્વેકરને અંદર જવા કેમ દીધા? બાદમાં મિલિંદ નાર્વેકરે કહ્યું હતું કે પ્રેક્ષક ગૅલરી સમજીને હું ભૂલથી સેન્ટ્રલ હૉલમાં પહોંચી ગયો હતો. બાદમાં હું બહાર આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે મિલિંદ નાર્વેકર ઉદ્ધવ ઠાકરેની અત્યંત નિકટની વ્યક્તિ છે, પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગણેશોત્સવમાં મિલિંદ નાર્વેકરના ઘરે જઈને બાપ્પાનાં દર્શન કર્યાં હતાં એટલે તેમની વચ્ચે સારી મિત્રતા હોવાનું જણાયું હતું. આથી મિલિંદ નાર્વેકર ગમે ત્યારે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડે એવું કહેવાય છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામે ફરિયાદ નોંધો

પુણેની કસબાપેઠ અને પિંપરી-ચિંચવડ વિધાનસભાની પેટાચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. કસબાપેઠમાં મતદાન વખતે બીજેપીએ રૂપિયા વહેંચ્યા હોવાનો આરોપ કરનારા કૉન્ગ્રેસના ઉમેદવાર રવીન્દ્ર ધાંગેકરે હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કસબાપેઠમાં રૂપિયા વહેંચ્યા હોવાનો આરોપ કરીને તેમની સામે એફઆઇઆર નોંધવાની માગણી કરી છે. મુખ્ય પ્રધાને પુણેમાં જે ઘરમાં રૂપિયા વહેંચ્યા હતા એ પોતાનું ઘર હોવાનું રવીન્દ્ર ધાંગેકરે કહ્યું છે. આ મામલામાં એકનાથ શિંદેની સાથે પ્રવીણ દરેકર અને ચંદ્રકાંત પાટીલ સામે પણ ચૂંટણી પંચે ગુનો દાખલ કરવો જોઈએ એવી માગણી કરી છે. આ ચૂંટણીમાં પોતે ૧૫થી ૨૦ હજાર મતથી વિજયી થઈ રહ્યા હોવાનું ધ્યાનમાં આવતાં વિરોધીઓએ મતદારોને પોતાની તરફ કરવા માટે રૂપિયાની રમત રમી હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે તેમણે આ બાબતે ચૂંટણી પંચમાં કોઈ ફરિયાદ કરી હોવાનું જાણવા નહોતું મળ્યું. ત્રીજી માર્ચે પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ વર્ષે સરકાર ૬૦૦ જૉબ ફેરનું આયોજન કરશે

નાગપુરમાં ગઈ કાલે રાજ્યના બજેટ અધિવેશનની શરૂઆત થઈ હતી ત્યારે રાજ્યના ગર્વનર રમેશ બૈસે સભાગૃહમાં જાહેરાત કરી હતી કે ૨૦૨૨-’૨૩ આર્થિક વર્ષમાં રાજ્ય સરકાર  ૬૦૦ જૉબ ફેરનું આયોજન કરશે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ૪૫ કંપનીઓએ સાથે કરાર કરવામાં આવ્યા છે, જેમાં ૧.૨૫ લાખ નોકરીઓ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ૮૭,૭૭૪ હજાર કરોડ રૂપિયાના ચોવીસ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ૬૧,૦૦૦ લોકોને નોકરી મળશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંર્તગત રાજ્યમાં ૪.૮૫ લાખ યુવાનો અને ૨.૮૧ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે.

mumbai mumbai news shiv sena