01 March, 2023 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખેડૂતોને યોગ્ય ભાવ મળે એવી માગણી સાથે ગઈ કાલે વિધાનભવનમાં વિરોધ પક્ષના નેતાઓએ કાંદાના હાર પહેરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું ત્યારે જ મુખ્ય પ્રધાન ત્યાથી પસાર થયા હતા. (તસવીર : સૈયદ સમીર અબેદી)
ગયા વર્ષના ૨૧ જૂનથી ચાલી રહેલા શિવસેનાના સત્તાસંઘર્ષનો ફેંસલો હાથવેંતમાં છે. સુપ્રીમ કોર્ટના પાંચ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ ગઈ કાલે સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે એકનાથ શિંદે જૂથના વકીલોને બે દિવસમાં દલીલો પૂરી કરવાનું કહ્યું હતું. આથી આઠ મહિનાથી ચાલી રહેલો સત્તાસંઘર્ષનો ફેંસલો આ અઠવાડિયે જ આવી શકે છે.
શિવસેનાના સત્તાસંઘર્ષની સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે પાંચ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ ત્રણ દિવસ ચાલેલી સુનાવણી વખતે ઉદ્વવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબલે દલીલો કરી હતી. ગઈ કાલે સવારના સમયે તેમના વતી ઍડ્વોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલો કરીને વિધાનસભાના સ્પીકર અને રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલા નિર્ણય ગેરકાયદે હોવાનો દાવો કર્યો હતો અને ૨૭ જૂનની સ્થિતિને ફરીથી સ્થાપિત કરવાની માગણી કરી હતી. જોકે કોર્ટે તેમની આ માગણી વિશે કોઈ ટિપ્પણી કે નિર્દેશ નહોતા આપ્યા.
બપોર બાદ એકનાથ શિંદે જૂથ વતી ઍડ્વોકેટે નીરજ કૌલે દલીલો કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે સ્પીકર અને રાજ્યપાલે લીધેલા નિર્ણય યોગ્ય છે. મહાવિકાસ આઘાડી સરકારે બહુમતી ગુમાવી દેવાની સાથે એ સરકારના મુખ્ય પ્રધાને રાજીનામું આપી દીધું હતું અને ફ્લોર-ટેસ્ટ પણ નહોતી કરાઈ. આથી આવી સ્થિતિમાં રાજ્યસભા અને ભારતના બંધારણની જોગવાઈ મુજબ જ વિધાનસભામાં સ્પીકરની વરણી કરવાની સાથે રાજ્યપાલે એકનાથ શિંદે અને બીજેપીને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. સરકારની સ્થાપના થયા બાદ વિધાનસભામાં ફ્લોર-ટેસ્ટ થઈ હતી, જેમાં તેમની બહુમતી સિદ્ધ થઈ હતી.
ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે સુનાવણી વખતે એકનાથ શિંદે જૂથને કહ્યું હતું કે આ જ અઠવાડિયે આ પ્રકરણ પૂરું કરવાનું છે એટલે બે દિવસમાં દલીલો પૂરી કરો. ચીફ જસ્ટિસના આમ કહેવાથી આઠ મહિનાથી ચાલી રહેલી શિવસેનાના સત્તાસંઘર્ષની લડાઈનો અંત નજીક હોવાનું કહી શકાય.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે સુનાવણી મોકૂફ રાખી દીધી હતી અને આજે સવારે ફરી સુનાવણી હાથ ધરવાનું કહ્યું હતું.
દિલ્હીની જેમ મહારાષ્ટ્રમાં પણ દારૂની નીતિમાં કૌભાંડનો આરોપ
સીબીઆઇએ દારૂની નીતિમાં ગરબડ કરવાના આરોપસર દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કર્યા બાદ બીજેપીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે ગઈ કાલે આરોપ કર્યો હતો કે આ તપાસનો રેલો મહારાષ્ટ્ર સુધી આવી શકે છે. આશિષ શેલારે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘દિલ્હી સરકારની જેમ તત્કાલીન મહાવિકાસ આઘાડીની સરકારે પણ દારૂ પરનો ટૅક્સ માફ કર્યો હતો. બાર અને પબની લાઇસન્સ-ફીમાં રાહત આપી હતી. એટલું જ નહીં, કરિયાણાની દુકાનોમાં વાઇનના વેચાણ માટેની પરવાનગી આપી હતી. આથી દિલ્હીમાં શરૂ થયેલી સીબીઆઇ તપાસનો રેલો મહારાષ્ટ્ર સુધી તો નહીં પહોંચેને? દારૂ વેચનારાઓને કરવામાં આવેલી ખેરાતની તપાસ થશે? આ મામલે જ અરવિંદ કેજરીવાલે તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેની મુલાકાત તો નહોતી લીધીને?
વિરોધી પક્ષના નેતાઓ કાંદાના હાર પહેરીને પહોંચ્યા
રાજ્યમાં કાંદાના ભાવ ભારે ઘટ્યા થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એટલે ખેડૂતોને યોગ્ય ભાવ મળે એવી માગણી સાથે ગઈ કાલે વિરોધ પક્ષના નેતા અજિત પવાર સહિતના વિધાનસભ્યો નાગપુરમાં અત્યારે ચાલી રહેલા બજેટ અધિવેશનમાં કાંદાનો હાર પહેરીને પહોંચ્યા હતા. ખેડૂતોને કાંદાના પૂરતા ભાવ ન મળતા હોવાથી તેમના માટે સરકાર કંઈક કરે એવી માગણી વિધાનસભામાં કરવામાં આવી હતી ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે નાફેડ દ્વારા કાંદાની ખરીદી શરૂ કરવામાં આવશે. આથી ખેડૂતોને ટૂંક સમયમાં જ કાંદાના યોગ્ય ભાવ મળશે. આ મામલે વિધાનસભામાં થોડો સમય સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી થઈ હતી. જોકે મુખ્ય પ્રધાનના આશ્વાસન બાદ મામલો થાળે પડ્યો હતો.