26 September, 2024 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ
બદલાપુર એન્કાઉન્ટરને લઈને સત્તામાં સામેલ બે સહયોગી દળ એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ આનો શ્રેય લેવાની હોડમાં સામેલ થઈ ગયા છે.
બદલાપુર કાંડના આરોપી અક્ષય શિંદેની વિવાદિત પોલીસ એન્કાઉન્ટરમાં મોત બાદ રાજકીય વર્તુળોમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. મહારાષ્ટ્રમાં સત્તામાં બે સાથી પક્ષો એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ આનો શ્રેય લેવાની રેસમાં જોડાયા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ બીજા દિવસે બદલાપુરમાં ફટાકડા ફોડીને અને મીઠાઈઓ વહેંચીને એન્કાઉન્ટરની ઉજવણી કરી હતી. દરમિયાન, મુંબઈમાં અગ્રણી સ્થાનો પર ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નામવાળા રહસ્યમય પોસ્ટરો જોવા મળ્યા હતા. આ પોસ્ટરો પર `બદલા પુરા` જેવા શબ્દો લખવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પોસ્ટર્સ ખેરવાડી, અંધેરી, લાલબાગ અને સાયન સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં જોવા મળ્યા હતા.
આ પોસ્ટરો પર કોઈ નામ ન હોવા છતાં, એવું માનવામાં આવે છે કે તે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા. બાદમાં સ્થાનિક પોલીસે કેટલાક પોસ્ટરો હટાવી દીધા હતા. મંગળવારે મધ્યરાત્રિની આસપાસ લગાવવામાં આવેલા આ પોસ્ટરોમાં ફડણવીસને રિવોલ્વર અને બંદૂક સાથે દર્શાવવામાં આવ્યા હતા. હિન્દીમાં લખેલા સંદેશાઓ સૂચવે છે કે બદલાપુરમાં બે સગીર શાળાની છોકરીઓ સામે આચરવામાં આવેલા જઘન્ય અપરાધ માટે ભાજપના નેતાએ યોગ્ય બદલો લીધો છે.
નોંધનીય છે કે 24 વર્ષના અક્ષય શિંદે પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. શિંદે બદલાપુરની એક સ્કૂલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. સોમવારે પોલીસ એન્કાઉન્ટરમાં તેનું મૃત્યુ થયું હતું, જેને પોલીસે સ્વ-બચાવનું કૃત્ય કહ્યું હતું. અહેવાલો અનુસાર, જ્યારે શિંદેને અન્ય યૌન શોષણ કેસમાં તેમની સામે હાજર થવા માટે તલોજા જેલમાંથી બદલાપુર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે કથિત રીતે પોલીસકર્મીની રિવોલ્વર છીનવી લીધી અને પોલીસ પર ગોળીબાર કર્યો. તમને જણાવી દઈએ કે આ કેસ તેની પૂર્વ પત્નીએ નોંધાવ્યો હતો.
આ એન્કાઉન્ટર બાદ બદલાપુર અને નાસિકમાં એકનાથ શિંદેની શિવસેનાના સમર્થકોએ પોલીસ કાર્યવાહીના વખાણ કરીને ઉજવણી કરી હતી. મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ બંનેએ પોલીસ કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી, જ્યારે વિરોધ પક્ષોએ એન્કાઉન્ટરને `આયોજિત હત્યા` ગણાવી હતી અને સરકાર પર અન્ય આરોપીઓને બચાવવાનો આરોપ મૂક્યો હતો. નોંધનીય બાબત એ પણ છે કે આ કેસમાં શાળાના ટ્રસ્ટીઓ અને અન્ય આરોપીઓ હજુ ફરાર છે.
હવે આ ઘટનાનો શ્રેય લેવા માટે શિવસેના અને ભાજપ વચ્ચેની સ્પર્ધાએ રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમ કર્યું છે. જ્યારે શિવસેનાએ આ ઘટનાને તેની સિદ્ધિ તરીકે રજૂ કરી હતી, ત્યારે ભાજપના પોસ્ટરોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફડણવીસ આ `બદલા` માટે જવાબદાર છે.
આ પોસ્ટર બાબતે આકરી પ્રતિક્રિયા આપતાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચન્દ્ર પવાર)નાં નેતા સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે ‘ગૃહપ્રધાનના હાથમાં બંદૂક હોવી અને એની પોસ્ટરબાજી કરવી એ મારા જેવી મહિલા માટે ધક્કાદાયક વાત છે. જે બાળકો આ પોસ્ટર જોશે તેમને શું સંસ્કાર મળશે? રાજ્યના ગૃહપ્રધાન બંદૂક લઈને ફરે છે? મિરઝાપુર સિરીઝમાં આ બધું ચાલે, પણ આ તો વાસ્તવિકતા છે. આ છત્રપતિ, શાહુ, ફુલે, આંબેડકરનું મહારાષ્ટ્ર છે. આ દેશ-રાજ્ય બંદૂકથી નહીં ચાલે, આ દેશ બંધારણથી ચાલશે. દેવેન્દ્રજી બંદૂક બતાવે, અમે તેમને બંધારણ બતાવીશું.’