24 November, 2024 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝીશાન સિદ્દીકી, યામિની જાધવ, નવાબ મલિક, સદા સરવણકર, ડૉ. ભારતી લવેકર
ઝીશાન સિદ્દીકી
બાંદરા-ઈસ્ટની બેઠકમાં ૨૦૧૯માં કૉન્ગ્રેસની ટિકિટમાંથી ચૂંટાઈ આવ્યા બાદ આ વર્ષે એપ્રિલ મહિનામાં અજિત પવારની NCPમાં પિતા બાબા સિદ્દીકીએ પ્રવેશ કર્યો હતો આથી કૉન્ગ્રેસે ઝીશાન સિદ્દીકીની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી હતી. બાદમાં અજિત પવારે આ બેઠકની ઉમેદવારી ઝીશાન સિદ્દીકીને આપી હતી. જોકે તેનો શિવસેના (UBT)ના વરુણ સરદેસાઈ સામે ૧૧,૩૬૫ મતથી પરાજય થયો છે.
યામિની જાધવ
ભાયખલાનાં શિવસેનાનાં વિધાનસભ્ય યામિની જાધવને એકનાથ શિંદેએ લોકસભાની ચૂંટણીમાં પણ ટિકિટ આપી હતી. લોકસભાની ચૂંટણીમાં પરાજય થયો હોવા છતાં યામિની જાધવને ફરી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી આપી હતી. વિધાનસભાની ચૂંટણીમાં પણ યામિની જાધવનો શિવસેના (UBT)ના મનોજ જામસુતકર સામે ૩૧,૩૬૧ મતથી પરાજય થયો છે.
નવાબ મલિક
NCPમાંથી અણુશક્તિનગર બેઠકમાંથી ચૂંટાઈ આવ્યા બાદ જેલમાં ગયા હોવા છતાં અજિત પવારે ફરી નવાબ મલિકને માનખુર્દ-શિવાજીનગર બેઠકની ઉમેદવારી આપી હતી. જોકે આ બેઠકમાં સમાજવાદી પાર્ટીના ત્રણ ટર્મથી વિધાનસભ્ય અબુ આઝમી અને ઔવેસીની પાર્ટીના ઉમેદવાર સામે નવાબ મલિક ટકી નહોતા શક્યા. તેમનો ચોથા નંબરે રહીને ૩૯,૨૭૯ મતથી પરાજય થયો છે.
સદા સરવણકર
માહિમની બેઠકમાં બે વખતથી ચૂંટાઈ આવતા શિવસેનાના વિધાનસભ્ય સદા સરવણકરને ફરી ઉમેદવારી આપવામાં આવી હતી. જોકે આ વખતે રાજ ઠાકરેનો પુત્ર અમિત ઠાકરે અને સદા સરવણકર વચ્ચે મરાઠી મતોનું વિભાજન થયું હતું જેને લીધે શિવસેના (UBT)ના મહેશ સાવંતને ફાયદો થયો હતો એટલે સદા સરવણકરનો માત્ર ૧૩૧૬ મતથી પરાજય થયો છે.
ડૉ. ભારતી લવેકર
વર્સોવા વિધાનસભામાંથી બે વખત ચૂંટાઈ આવ્યા બાદ BJPએ ડૉ. ભારતી લવેકરને ત્રીજી વખત ટિકિટ આપી હતી. જોકે આ વખતે તેમનો શિવસેના (UBT)ના હારુન ખાન સામે ૧૬૦૦ મતથી પરાજય થયો છે.