25 November, 2024 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈ સહિત રાજ્યભરમાં શિંદેસેના અને ઉદ્ધવસેના વચ્ચે ૫૧ બેઠક પર મુકાબલો થયો હતો. આમાં મરાઠવાડામાં ૨૦ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ૧૬ મળીને કુલ ૩૬ બેઠક પર શિંદેસેનાનો વિજય થયો હતો. અઢી વર્ષ પહેલાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો ત્યારે તેમની સાથે શિવસેનાના ૪૦ વિધાનસભ્યો જોડાઈ ગયા હતા. એમાંથી ૩૬ વિધાનસભ્યો ફરી ચૂંટાઈ આવ્યા છે. આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં શિંદેસેનાને ૪૦ બેઠક પર સરસાઈ મળી હતી, એની સરખામણીએ અત્યારની વિધાસભાની ચૂંટણીમાં શિંદેસેનાના ૫૭ ઉમેદવાર વિજયી થયા છે. આની સામે શિંદેસેના સામેની સીધી લડતમાં ઉદ્ધવ ઠાકરેના ૧૪ ઉમેદવાર વિજયી થયા છે.