૬ કલાક જેની સર્જરી ચાલી હોય તે વ્યક્તિ પાંચ દિવસમાં આટલી ફિટ થઈને બહાર આવી શકે?

23 January, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ હીરોની જેમ ઘરે આવેલા સૈફની ફિટનેસ જોઈને શિંદેસેનાના સંજય નિરુપમનો ડૉક્ટરોને સવાલ

સૈફ અલી ખાન

કરોડરજ્જુમાં અઢી ઇંચ ઘૂસી ગયેલા ચાકુને કાઢવાની મોટી સર્જરી કર્યા બાદ સૈફ અલી ખાન મંગળવારે છઠ્ઠા દિવસે હૉસ્પિટલમાંથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે તે એકદમ ફિટ જોવા મળ્યો હતો. સફેદ શર્ટ અને બ્લુ જીન્સ સાથે સ્મિત કરીને સૈફે લોકોનું અભિવાદન કર્યું હતું. તેના હાથ અને પગમાં પણ પ્લાસ્ટિક સર્જરી કરી હોવાથી આટલો જલદી તે ફિટ થઈ ગયો હોવાથી એને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે ત્યારે એકનાથ શિંદેની શિવસેનાના નેતા સંજય નિરુપમે પણ પ્રશ્ન નિર્માણ કરતાં કહ્યું હતું કે ‘મુંબઈના નાગરિકો અને મારા મનમાં કેટલાક સવાલ છે જે મેં ઉઠાવ્યા છે. શું મેડિકલ સેક્ટર એટલું આગળ વધી ગયું છે કે સૈફ અલી ખાન ગંભીર હુમલા બાદ પણ હૉસ્પિટલમાંથી નાચતો-કૂદતો ઘરે જાય છે? સૈફ પરનો હુમલો કેટલો ઘાતક હતો અને તેને કેટલી ગંભીર ઈજા થઈ હતી એની સ્પષ્ટતા સૈફના પરિવારે આગળ આવીને કરવી જોઈએ; કારણ કે આ ઘટના પછી મુંબઈમાં એવો માહોલ બનાવી દેવામાં આવ્યો કે મુંબઈમાં કાયદો અને કાનૂનની વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે, ગૃહ મંત્રાલય નકામું થઈ ગયું છે, મહારાષ્ટ્ર સરકાર બરબાદ થઈ ગઈ છે અને મુંબઈના દરેક નાગરિક અસુરક્ષિત છે. જેવી રીતે સૈફ હૉસ્પિટલમાંથી બહાર આવ્યો એવું લાગ્યું કે પાંચ દિવસ પહેલાં કંઈ થયું જ નહોતું. સૈફ હૉસ્પિટલમાંથી નીકળીને સીધો શૂટિંગ પર જઈ રહ્યો હોય એવું લાગ્યું. હું ડૉક્ટરોને પૂછવા માગું છું કે શું ૬ કલાક સુધી જેની સર્જરી ચાલી હોય તે પાંચ દિવસમાં આટલો ફિટ થઈને બહાર આવી શકે? સૈફના ઘરમાં ઘૂસીને હુમલો કરનારો બંગલાદેશી હોવાનું જણાયું છે. મુંબઈમાં મોટી સંખ્યામાં બંગલાદેશી છે એ વિશે કોઈ સવાલ નથી કરી રહ્યું અને સૈફ સેલિબ્રિટી છે એટલે આ મામલાને હવા આપવામાં આવી રહી છે.’

હવે તો કરોડરજ્જુની મોટી સર્જરી બાદ પણ દરદી એક દિવસમાં ચાલતો થઈ જાય છે: ડૉક્ટરો

કરોડરજ્જુની સર્જરી કર્યાના પાંચ દિવસમાં સૈફ અલી ખાન રિકવર થઈને હીરોની જેમ ચાલવા લાગ્યો હોવાથી એને લઈને જાતજાતની વાતો થઈ રહી છે ત્યારે આવા દરદીઓની સારવાર કરનારા ડૉક્ટરોનું કહેવું છે કે કરોડરજ્જુની મોટી સર્જરી બાદ પણ દરદી એકાદ દિવસમાં ચાલતો થઈ જાય છે. સર્જરી થયા બાદ સૈફ અલી ખાન પાંચમા દિવસે એકદમ ફિટ થઈને ઝડપથી ચાલતો જોવા મળ્યો છે એમાં કંઈ શંકાસ્પદ નથી. એક ડૉક્ટરે તેમનાં મમ્મીનો વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘૨૦૨૨માં મારાં મમ્મીનું ફ્રૅક્ચરની સાથે કરોડરજ્જુનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. આમ છતાં તેમને ફ્રૅક્ચરવાળા પગે ઑપરેશન બાદ ચલાવવામાં આવ્યાં હતાં. હવે મેડિકલ સાયન્સ ઘણું આગળ નીકળી ગયું છે.’

mumbai news mumbai eknath shinde shiv sena saif ali khan