મારું DNA મૅચ થયું હોવાનો અહેવાલ ખોટો

17 June, 2024 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાડકાં અને અવશેષો મળી ન રહ્યાં હોવાનું CBIએ કોર્ટને કહ્યા બાદ ઇન્દ્રાણી મુખરજીએ કર્યો દાવો

ઇન્દ્રાણી મુખરજી

દેશભરમાં ચકચાર જગાડનાર શીના બોરા મર્ડરકેસમાં પેણ પોલીસે ૨૦૧૨માં તેમણે ઘટનાસ્થળેથી મળી આવેલાં હાડકાં અને અન્ય અવશેષોનું પંચનામું કરીને એની ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરાવી હતી. એ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વે​સ્ટિગેશન (CBI)એ કોર્ટમાં કહ્યું છે કે એ હાડકાં અને અવશેષો હવે મળી નથી રહ્યાં. ત્યારે કેસની આરોપી ઇન્દ્રાણી મુખરજીએ હવે આક્ષેપ કરતાં કહ્યું છે કે ‘એ હાડકાં સાથે મારા DNA સૅમ્પલ મૅચ થયા હોવાનો ડૉક્ટરનો અહેવાલ ખોટો છે. વળી એ હાથેથી લખેલા અહેવાલમાં કેટલીક છેકછાક પણ કરવામાં આવી છે.’  

ઇન્દ્રાણી મુખરજીએ કહ્યું છે કે ‘શીનાની મેં હત્યા કરી એ મારા જ નજીકના કેટલાક લોકોએ મારી સામે ઊભું કરેલું કાવતરું છે. એ હાડકાં સાથે મારા DNA મૅચ થયા એ અહેવાલ ખોટો છે. હાથેથી લખાયેલા એ અહેવાલમાં છેકછાક કરાઈ છે એટલું જ નહીં, એ અહેવાલ બનાવનાર ડૉક્ટર પણ આવા ખોટા અહેવાલ બનાવવાના પ્રકરણમાં સસ્પેન્ડ થયો છે.’  

ઇન્દ્રાણીએ વધુમાં કહ્યું છે કે ‘મેં શીનાની હત્યા કરી નથી. વળી શીના જીવતી હોવાનું મારું મન કહે છે. મેં સાડાછ વર્ષ જેલમાં કાઢ્યાં છે એ કોણ પાછાં આપશે? રાહુલ મુખરજીને કેમ તાબામાં નથી લીધો? તેને કોણ બચાવી રહ્યું છે એની તપાસ થવી જોઈએ.’

mumbai news mumbai Crime News central bureau of investigation