06 December, 2024 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
મહારાષ્ટ્રની આગામી સરકારના મુખ્ય પ્રધાન તરીકેની શપથવિધિ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે મહા વિકાસ આઘાડીના નેતા શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સુશીલકુમાર શિંદે, પૃથ્વીરાજ ચવાણ તેમ જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેને શપથવિધિના સમારંભમાં સામેલ થવા માટેનું આમંત્રણ ફોન કરીને આપ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાત્રે આ નેતાઓને ફોન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેમનામાંથી એક પણ નેતા પર્સનલ કારણોસર હાજર નહોતા રહી શક્યા. આ બાબતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મને ફોન પર આ બધા નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી અને પર્સનલ કારણોસર શપથવિધિમાં હાજર નહીં રહી શકે એવું કહ્યું હતું.
દેવેન્દ્રપર્વની શરૂઆત : રાજ ઠાકરે
રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરી હતી કે ‘આજથી રાજ્યમાં દેવેન્દ્રપર્વની શરૂઆત થઈ છે. આજે મારા સ્નેહી અને ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના નેતા દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લીધા એ બદલ તેમને અભિનંદન. ૨૦૧૯માં તેમને આ તક મળવી જોઈતી હતી, પણ ત્યારે અને ૨૦૨૨માં જે રાજકીય ઘટના બની એને લીધે તક નહોતી મળી શકી. જવા દો, પણ આ વખતે મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિ કરતાં દેવેન્દ્ર ફડણવીસને પ્રચંડ અવિશ્વસનીય બહુમત આપ્યો છે. આ બહુમતીનો રાજ્ય માટે, અહીંના મરાઠી માણસો અને મરાઠી ભાષા તેમ જ સંસ્કૃતિ માટે તમે યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું.’