19 February, 2023 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શિવસેનાનું મૂળ નામ અને ચિહ્ન ચૂંટણી પંચે એકનાથ શિંદેના જૂથને આપ્યા બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં જે અસંતોષ જોવા મળી રહ્યો છે એ જોઈને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વડા શરદ પવારે બહુ ઠાવકાઈથી કહ્યું હતું કે ‘ચૂંટણી પંચે એક વાર નિર્ણય લીધા પછી એના પર ચર્ચા ન થવી જોઈએ. એને સ્વીકારો અને નવું ચિહન અપનાવી લો. એનાથી લોકોને બહુ મોટો ફરક નહીં પડે. તેઓ એ પણ થોડા વખતમાં સ્વીકારી લેશે. ૧૫-૨૦ દિવસ આ ચર્ચા રહેશે એટલું જ.’
શરદ પવારે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસનું પણ પહેલાં હળ જોડેલા બે બળદ ચૂંટણીચિહ્ન હતું. વખત જતાં તેમણે એ ગુમાવ્યું. એ પછી તેમને નવું ચિહન હાથનું આપવામાં આવ્યું અને લોકોએ પણ એ સ્વીકારી લીધું હતું. લોકો હવે ઉદ્ધવ ઠાકરેનું નવું ચિહ્ન પણ સ્વીકારી લેશે.’
ઉદ્ધવ ઠાકરે સાથે કેટલા સંસદસભ્ય?
ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એવો દાવો કરાયો હતો કે તેમની પાસે છ સંસદસભ્યો છે. જોકે હકીકતમાં ચૂંટણી પંચ પાસે માત્ર ચાર જ સંસદસભ્યોનાં ઍફિડેવિટ જતાં ફરી એક વાર એવો સવાલ ઊભો થયો છે કે એ બે સંસદસભ્યો શિંદે જૂથમાં જોડાવાના છે કે પછી તટસ્થ રહ્યા છે? સંસદમાં શિવસેનાના કુલ ૧૯ સંસદસભ્યો છે. એમાંથી શિંદે જૂથ સાથે ૧૩ સંસદસભ્યો છે, જ્યારે ઉદ્ધવ જૂથના ચાર સંસદસભ્યોનાં ઍફિડેવિટ મળ્યાં છે. એથી બાકીના બે સંસદસભ્યોનો સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે.
સ્ત્રીઓને દુખી કરનારને સજા મળે જ છે : કંગના રનોટ
ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે મહાવિકાસ આઘાડીની સરકાર વખતે બૉલીવુડની ઍક્ટ્રેસ કંગના રનોટનું ઘર બીએમસીએ તોડી પાડ્યું હતું. એ વખતે કંગનાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આજ મેરા ઘર તોડા ગયા હૈ, કલ તેરા ઘમંડ ટૂટેગા.
હવે જ્યારે ચૂંટણી પંચે શિવસેનાનું નામ અને ધનુષબાણનું ચિહન એકનાથ શિંદે જૂથને આપ્યું છે ત્યારે ફરી એક વાર કંગનાએ ટ્વીટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘દેવતાઓના રાજા ઇન્દ્રને પણ દુર્વ્યવહાર કરવાની સજા મળી છે. આ તો કેવળ એક નેતા છે. જે વખતે તેમણે મારું ઘર તોડ્યું હતું ત્યારે મને લાગ્યું હતું કે તેમના ખરાબ દિવસો શરૂ થઈ જશે. એક મહિલાનું અપમાન કરનારને ભગવાન સજા આપે છે. હવે તેઓ ફરી ક્યારેય ઊભા નહીં થઈ શકે.’