ચૂંટણી પંચ અને વિધાનસભાના સ્પીકરના નિર્ણય પછી શરદ પવારે કહ્યું... અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું

18 February, 2024 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરાઠા આરક્ષણ પર શરદ પવારે કહ્યું હતું કે સરકારે મરાઠા આરક્ષણ અને મનોજ જરાંગેના મુદ્દે મજબૂત અને યોગ્ય સ્ટૅન્ડ લેવું જોઈએ.

શરદ પવાર

એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના સંસ્થાપક શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘ચૂંટણી આયોગ અને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરનો એનસીપી મામલે અપાયેલો નિર્ણય સંપૂર્ણ રીતે અયોગ્ય છે. અમે હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જઈશું.’

ચૂંટણી આયોગે પોતાના નિર્ણયમાં અજિત પવાર જૂથને અસલી એનસીપી માની હતી અને પાર્ટીનું ચૂંટણીચિહન પણ આ જૂથને આપવાનો નિર્ણય કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં શરદ પવારે કહ્યું હતું કે ‘અમને આવા જ નિર્ણયની આશા હતી. ચૂંટણી પંચ અને સ્પીકરનો આ નિર્ણય અયોગ્ય છે. જેમણે પાર્ટીનું ગઠન કર્યું તેમને જ બહાર કરવામાં આવ્યા. આવું પહેલાં ક્યારેય થયું નથી. આખો દેશ જાણે છે કે પાર્ટી કોણે બનાવી છે.’

અશોક ચવાણના બીજેપીમાં જવાના સવાલ પર શરદ પવારે કહ્યું હતું કે ‘આજકાલ એસીબી અને ઈડી જેવી ઘણી કેન્દ્રીય એજન્સીઓનું દબાણ છે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એમનો ઉપયોગ વિપક્ષ વિરુદ્ધ થઈ રહ્યો છે.’ મરાઠા આરક્ષણ પર શરદ પવારે કહ્યું હતું કે સરકારે મરાઠા આરક્ષણ અને મનોજ જરાંગેના મુદ્દે મજબૂત અને યોગ્ય સ્ટૅન્ડ લેવું જોઈએ.

mumbai news mumbai nationalist congress party sharad pawar