04 April, 2024 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાઘવ ચઢ્ઢા
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના નેતા જિતેન્દ્ર આવ્હાડનું કહેવું છે કે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા લંડનમાં હોવાના કારણે અરવિંદ કેજરીવાલની ધરપકડ વિશે કમેન્ટ ન કરી શકે એ બહુ વિચિત્ર છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે AAPના નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢા શા માટે ચૂપ છે એવો સવાલ શરદ પવારની પાર્ટીએ કર્યો હતો. નોંધનીય છે કે NCP (શરદચંદ્ર પવાર) અને AAP વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’નો ભાગ છે.
AAPના પ્રમુખ કેજરીવાલની લિકર પૉલિસી કેસમાં ૨૧ માર્ચે ધરપકડ થઈ હતી, જેને લઈને NCPના નેતા જિતેન્દ્ર આવ્હાડે શનિવારે ઍક્સ (ટ્વિટર)ની પોસ્ટમાં એવો સવાલ પૂછ્યો હતો કે ‘રાઘવ ચઢ્ઢા ક્યાં છે?’ જોકે આ પોસ્ટ પછી ડિલીટ કરવામાં આવી હતી.
જિતેન્દ્ર આવ્હાડે મીડિયા સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે ‘AAPના તમામ નેતાઓ હાજર છે. અતિશી અને અન્ય નેતાઓ ખૂબ જ સક્રિય છે. રાઘવ ચઢ્ઢા પાર્ટીનો ચહેરો છે અને તેઓ ખૂબ જ બુદ્ધિશાળી છે. તેમની ગેરહાજરીથી પાર્ટીના કાર્યકરોને દુઃખ થાય છે.’
NCP (શરદચંદ્ર પવાર) પાર્ટીના નેતાએ એવો કટાક્ષ કર્યો હતો કે ‘એ દિવસો ગયા જ્યારે તમે દૂર હોવાના કારણે લોકો સાથે જોડાઈ શકતા નથી. તેઓ લંડનમાં હોવાના કારણે કમેન્ટ ન કરી શકે એ બહુ વિચિત્ર છે. તેઓ એક વિડિયો બનાવીને પાર્ટીને પોતાનો સંદેશ મોકલી શકે છે. તેમની સંપૂર્ણ ગેરહાજરી સામે અમને સવાલ
થાય છે.’
રાઘવ ચઢ્ઢા હાલ એક આઇ-સર્જરી માટે લંડનમાં છે.