12 January, 2025 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક શરદ પવારે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રશંસા કરી છે ત્યારે તેઓ ધીમે-ધીમે મહાયુતિની તરફ સરકી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે. શરદ પવારે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં સંઘે પ્રચારની યોગ્ય રણનીતિ ઘડવાને લીધે મહાયુતિને મોટો વિજય મળ્યો.
આ વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને શુક્રવારે એક મરાઠી ન્યુઝ-ચૅનલના રિપોર્ટરે સવાલ પૂછ્યો ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે ‘રાજકારણમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. શરદ પવાર મહાયુતિમાં સામેલ થશે એવું લાગતું નથી, પણ કંઈ પણ થઈ શકે છે. શરદ પવાર ખૂબ ચતુર નેતા છે. તેમણે ચોક્કસપણે અભ્યાસ કર્યો હશે કે લોકસભાની ચૂંટણીમાં તેમણે મોટું વાયુમંડળ તૈયાર કર્યું હતું, પરંતુ એક મિનિટમાં એમાં પંક્ચર કેવી રીતે પડ્યું. વાયુમંડળમાં પંક્ચર કરનારી શક્તિ કોણ છે? તેમના ધ્યાનમાં આવ્યું હશે કે આ શક્તિ નિયમિત રાજકારણ કરનારી શક્તિ નહીં, પણ રાષ્ટ્રકારણ કરનારી શક્તિ RSS છે. છેવટે ક્યારેક તો વિરોધીઓની પ્રશંસા કરવી પડે છે. એ હિસાબે શરદ પવારે સંઘનાં વખાણ કર્યાં હશે.’
એક સમયે RSSના કટ્ટર વિરોધી શરદ પવારે હવે આ સંસ્થાનાં વખાણ કર્યાં છે. આ વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે RSSએ ફેક નૅરેટિવનું બલૂન તોડી પાડ્યું હોવાનું જોયા બાદ શરદ પવારે વખાણ કર્યાં છે.