ભારતમાં અનેક દિગ્ગજ નેતા થઈ ગયા, પણ કોઈ તડીપાર નહોતા થયા

15 January, 2025 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિત શાહે પોતાને વિશ્વાસઘાતી નેતા કહ્યા હોવાથી એનો શરદ પવારે આપ્યો જોરદાર જવાબ : આની સામે મુંબઈ BJPના અધ્યક્ષે પલટવાર કરતાં કહ્યું કે તડીપારની ભાષા બોલીને માનસિક સંતુલન ગુમાવ્યું હોય એવું વર્તન ન કરો

ગઈ કાલે મુંબઈમાં વાય. બી. ચવાણ સેન્ટરમાં બોલાવેલી પ્રેસ-કૉન્ફરન્સમાં શરદ પવાર. તસવીર : કીર્તિ સુર્વે પરાડે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહે ત્રણ દિવસ પહેલાં શિર્ડીમાં આયોજિત પક્ષના અધિવેશનમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્રના પીઢ નેતા શરદ પવારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાએ શરદ પવારની વિશ્વાઘાત કરવાની રાજનીતિને ૨૦ ફીટ નીચે જમીનની અંદર દાટી દીધી છે. અમિત શાહની આ ટીકાનો ગઈ કાલે શરદ પવારે મુંબઈમાં પ્રેસ-કૉન્ફરન્સ આયોજિત કરીને જવાબ આપ્યો હતો.

મુંબઈના વાય. બી. ચવાણ સેન્ટરમાં શરદ પવારે કહ્યું હતું કે ‘ભારતના ગૃહ પ્રધાનપદે સરદાર વલ્લભભાઈ પટેલ ઉપરાંત અમુક સમય માટે યશવંતરાવ ચવાણ પણ રહ્યા હતા. મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય ગુજરાતમાં અનેક રાજ્યકર્તાઓ આવીને ગયા. એમાંથી અનેકનાં નામ લઈ શકાય છે. એ બધા રાજ્યકર્તામાંથી કોઈને રાજ્યમાંથી તડીપાર કરવામાં નહોતા આવ્યા. અત્યારના ગૃહપ્રધાને શિર્ડીમાં ભાષણ કર્યું, જે તેમનો અધિકાર છે. જોકે તેમણે માહિતી લઈને ભાષણ કરવું જોઈએ. ૧૯૭૮ના સંદર્ભમાં અમિત શાહને મારી યાદ આવી. ૧૯૭૮થી અત્યાર સુધી મેં શું કર્યું છે એ તેમણે બોલીને સંભળાવ્યું. તેમને કદાચ યાદ નહીં હોય ચાલીસ વર્ષ પહેલાં હું મુખ્ય પ્રધાન હતો એ સમયે અમિત શાહ ક્યાં હતા એ કોઈને ખબર નથી. એ સમયની મારી આગેવાનીની સરકારમાં જનસંઘના નેતા ઉત્તમરાવ પાટીલ અને હસુ અડવાણી પ્રધાનમંડળમાં હતા. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયી કે લાલકૃષ્ણ અડવાણીએ ક્યારેય બીજા પક્ષના નેતાઓને ઉતારી પાડવાનું રાજકારણ નહોતું કર્યું. અમિત શાહે તેમના ગૃહ પ્રધાનપદની ગરીમાને જાળવી રાખવી જોઈએ.’

લવાસાની ફાઇલ ખોલવી પડશે

BJPના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે શરદ પવાર પર પલટવાર કરતાં કહ્યું હતું કે ‘શરદ પવાર જૂની વાતો ઉખેળી રહ્યા છે. શરદ પવાર વિશ્વાસઘાતની સંસ્કૃતિના જનક છે. જનતાએ તેમને મહારાષ્ટ્રમાં જાકારો આપ્યો છે એટલે તેમણે તડીપારની ભાષા ન બોલવી જોઈએ. માનસિક સંતુલન ગુમાવ્યું હોય એવું વર્તન ન કરો. સત્તા મેળવવા માટે શરદ પવારે શું-શું કર્યું છે એ સૌ જાણે છે. સત્તા માટે તમે કૉન્ગ્રેસને છોડીને જનસંઘ સાથે સરકાર બનાવી હતી. પોતે જે કર્યું છે એની તાલીમ હવે તેઓ ઉદ્ધવ ઠાકરેને આપી રહ્યા છે. લવાસાથી લઈને અસંખ્ય મામલામાં ગરબડ કરવાના સંકેત કઈ તરફ જઈ રહ્યા છે એ બોલવા માટે અમને મજબૂર ન કરો. તમારી આ ફાઇલો ખૂલશે તો પગ નીચેથી જમીન ખસી જશે.’

ઇન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણી માટે જ હતુંઃ શરદ પવાર
ઇન્ડિયા ગઠબંધન વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં શરદ પવારે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી માટે જ આ ગઠબંધન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી કાયમ છે. ‌ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સંજય રાઉતે ભલે મહાનગરપાલિકાની ચૂંટણી એકલે હાથે લડવાની જાહેરાત કરી હોય. હું કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે સાથે આગામી ૧૦ દિવસમાં મળીને આ વિશે ચર્ચા કરીશ.’

mumbai amit shah sharad pawar bharatiya janata party nationalist congress party maharashtra maharashtra news news mumbai news political news