હું વૃદ્ધ નથી થયો, મારામાં હજી પણ કેટલાક લોકોને સીધા કરવાની તાકાત છે : શરદ પવાર

19 December, 2023 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે પુણેના હવેલી તહસીલના ચારકોલી ખાતે બળદગાડાની રેસના કાર્યક્રમ વખતે શરદ પવારે કહ્યું હતું

શરદ પવાર

એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના સ્થાપક અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે કહ્યું હતું કે હું વૃદ્ધ નથી થયો. મારામાં હજી પણ કેટલાક લોકોને સીધા કરવાની તાકાત છે. રવિવારે પુણેના હવેલી તહસીલના ચારકોલી ખાતે બળદગાડાની રેસના કાર્યક્રમ વખતે શરદ પવારે કહ્યું હતું કે ‘મારી તમારા બધા સામે ફરિયાદ છે. તમે બધા તમારા ભાષણમાં હું ૮૩ વર્ષનો થયો, હું ૮૪ વર્ષનો થયો એવો ઉલ્લેખ કરો છો. તમને શું જોવા મળે છે? હું વૃદ્ધ નથી થયો. મારામાં હજી પણ કેટલાક લોકોને સીધા કરવાની શક્તિ છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી.’ શરદ પવારનો જન્મદિન હતો એ નિમિત્તે બળદગાડાની રેસનું આયોજન સ્થાનિક લોકોએ કર્યું હતું. આ પ્રકારની રેસથી ખેડૂતોમાં સંતોષ અને વિશ્વાસ પેદા થાય છે, એમ શરદ પવારે કહ્યું હતું.

સ્ટાર્ટઅપ માટે તમામ સુવિધા અપાશે
સ્ટાર્ટઅપ્સના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એ માટે જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવશે એવું કૌશલ્ય, રોજગાર, ઑન્ટ્રપ્રનરશિપ અને ઇનોવેશન પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ ગઈ કાલે કહ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ યુનિવર્સિટીએ ૨૦ કૉલેજ અને સંસ્થાઓ સાથે મળીને પ્રી-ઇનક્યુબેશન સેન્ટર્સની સ્થાપના કરી છે, જેથી વિચાર કૌશલ્ય વિકસાવવા અને વિદ્યાર્થીઓમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં સરળતા રહેશે એવું બીજેપીના મલબાર હિલ વિસ્તારના વિધાનસભ્યએ કહ્યું હતું. પહેલા તબક્કામાં યુનિવર્સિટી અને મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટી આ કાર્યક્રમને ૩૦૦૦ વિદ્યાર્થીઓ સુધી વિસ્તારશે. ત્યાર બાદ ફાઇનલ પ્રેઝન્ટેશને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં કરવામાં આવશે.

બાણગંગા તળાવની કાયાપલટ થશે
વાલકેશ્વરમાં આવેલા ઐતિહાસિક બાણગંગા તળાવની કાયાપલટ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. ગઈ કાલે સ્થાનિક વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. બીએમસીના ‘ડી’ વૉર્ડ દ્વારા આ તળાવની કાયાપલટ અને સર્વાંગી વિકાસ કરવાની યોજના શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં તળાવની આસપાસની સફાઈ, રામકુંડની સફાઈ, બાણગંગા તળાવની સફાઈ કરવાની સાથે અહીંનાં અતિક્રમણ દૂર કરીને આપણા વારસાને ફરીથી સ્થાપિત કરવામાં આવશે. 

sharad pawar nationalist congress party political news mumbai mumbai news