06 November, 2024 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને પીઢ તથા ખંધા રાજકારણી શરદ પવારે ગઈ કાલે તેમના ભત્રીજા શ્રીનિવાસ પવારના દીકરા અને ઉમેદવાર યુગેન્દ્ર પવારની પ્રચારસભા વખતે એક ચોંકાવનારી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મારી પાસે હજી (રાજ્યસભામાં) દોઢ વર્ષ છે. હું વિચારું છું કે એ પછી મારે કન્ટિન્યુ કરવું કે નહીં? હવે પછી હું કોઈ ચૂંટણી લડવા નથી માગતો.’
આવતા મહિને શરદ પવાર ૮૪ વર્ષના થવાના છે. તેમણે તેમના સમર્થકોને એવો ઇશારો આપ્યો છે કે ૫૭ વર્ષ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા બાદ હવે તેઓ નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા છે.
શરદ પવારે બે વર્ષ પહેલાં પણ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જોકે એ પછી તેમના સમર્થકોએ તેમને એમ ન કરવા રાજ્યભરમાં ઠેર-ઠેર દેખાવો કરતાં તેમણે એ નિર્ણય ફેરવી તોળ્યો હતો.