શરદ પવાર જૂથની હવે નવા નામે નવી શરૂઆત

08 February, 2024 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૂંટણી પંચના ચુકાદા બાદ ‘નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી - શરદચંદ્ર પવાર’ના નામે રાજ્યસભાની ચૂંટણીમાં ઝુકાવાશે

ગઈ કાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની ઑફિસની બહાર વિરોધ કરી રહેલા શરદ પવાર ગ્રુપના કાર્યકરો. સૈયદ સમીર અબેદી

ચૂંટણી પંચે એનસીપી કોની એનો નિર્ણય આપ્યા બાદ એક બાજુ અ​જિત પવાર જૂથ તેમને પાર્ટીનું ઓરિ​જિનલ નામ અને ઘ​ડિયાળનું ચિહન મળતાં ઉજવણી કરી રહ્યું છે ત્યારે બીજી તરફ શરદ પવાર જૂથે તેમના પક્ષના નવા નામના ત્રણ વિકલ્પ આપ્યા હતા : નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી - શરદચંદ્ર પવાર, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી - શરદ પવાર અને એનસીપી - શરદ પવાર. એમાંથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવારનું નામ તેમના પક્ષને અલૉટ કરાયું છે. જોકે આ નામ હાલ રાજ્યસભાની ચૂંટણી લડવા પૂરતું રહેશે. તેમના પક્ષને ટૂંક સમયમાં પક્ષનું ચિહન અલૉટ કરાશે. તેમના તરફથી ‘વટવૃક્ષ’નું ચિહન મગાયું છે. 

આ પહેલાં અંધેરીની પેટાચૂંટણી વખતે પણ શિવસેના સંદર્ભે આ જ રીતની મૂંઝવણ ઊભી થઈ હતી. એક જૂથ ઉદ્ધવ ઠાકરેનું હતું અને બીજું એકનાથ શિંદેનું હતું. જોકે એ વખતે શિવસેનાનું મૂળ ચિહન તીર-કમાન ફ્રીઝ કરી દેવાયું હતું. એથી ઉદ્ધવ ઠાકરે જૂથે મશાલ ચિહન રાખ્યું હતું. જોકે એ પછી એકનાથ શિંદે જૂથે અને બીજેપીએ પેટાચૂંટણીમાં તેમનો ઉમેદવાર જ ઊભો નહોતો રાખ્યો. એ પછી ઘણા સમય બાદ ચૂંટણી પંચે એકનાથ શિંદેના જૂથને ઓ​રિ​જિનલ ‘શિવસેના’ અને તીર-કમાનનું ચિહન અલૉટ કર્યાં હતાં. 

રાજ્યસભાની ચૂંટણીમાં ચિહન નથી હોતું, પણ પાર્ટીનું નામ હોવું જરૂરી છે અથવા ઉમેદવાર અપક્ષ પણ લડી શકે છે. રાજ્યસભાની છ બેઠકોની આ ચૂંટણી સંદર્ભે શરદ પવાર જૂથે હજી તેમના ઉમેદવારની જાહેરાત નથી કરી; પણ સામા પક્ષે એનસીપી (અજિત પવાર જૂથ) એક બેઠક પર, એકનાથ શિંદેની શિવસેના એક બેઠક પર અને બીજેપી ત્રણ બેઠક પર ઝુકાવશે; જ્યારે એક બેઠક પર કૉન્ગ્રેસ લડશે. જોકે બીજેપી કૉન્ગ્રેસની બેઠક છીનવી લે એવું બની શકે.

ચૂંટણી પંચે આપેલા નિર્ણય પર ટિપ્પણી કરતાં એનસીપી - શરદ પવાર જૂથના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે ‘ચૂંટણી પંચે એના નિર્ણયમાં કહ્યું છે કે પાર્ટીમાં ૨૦૧૯થી જ ઇન્ટરનલી મતમતાંતર હતા. જોકે તે એ ભૂલી જાય છે કે ૨૦૧૯માં અજિત પવાર ત્યાર બાદ ફરી એક વાર પાર્ટીની સાથે જ રહ્યા હતા; એટલું જ નહીં, તે એ સરકારમાં પણ ડેપ્યુટી સીએમ બન્યા હતા. સુપ્રીમ કોર્ટ પણ જ્યારે વિધાનસભ્યો અપાત્ર હોવાનો મુદ્દો સ્પીકર સામે પેન્ડિંગ હોય ત્યારે કોની પાસે વધારે વિધાનસભ્યો છે એ ગણતરીમાં ન લઈ શકાય એમ કહે છે.’ 

વિધાનસભ્યોના અપાત્રતાનો નિર્ણય મેરિટના આધારે : સ્પીકર
શિવસેનાના કેસમાં એકનાથ શિંદેને ભલે પક્ષનું નામ અને ચિહન ફાળવવામાં આવ્યાં હોય, પણ સ્પીકર રાહુલ નાર્વેકરે બંને જૂથના વિધાનસભ્યોમાંથી કોઈને અપાત્ર ઠેરવ્યા નહોતા. તેમણે કહ્યું હતું કે એનસીપીના કેસમાં પણ મેરિટના આધારે જ વિધાનસભ્યની પાત્રતા નક્કી થશે. એથી રાજકીય સમીક્ષકોનું માનવું છે કે નાર્વેકર શિવસેનાની જેમ એનસીપીમાં પણ એવો જ નિર્ણય આપી શકે છે. 

શરદ પવાર જૂથ ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમમાં પડકારશે
ચૂંટણી પંચે અ​જિત પવારના જૂથને પાર્ટીનું ઓરિજિનલ નામ અને ચિહન ફાળવતાં હવે શરદ પવાર જૂથ ચૂંટણી પંચના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું છે. તેમનું કહેવું છે કે તેમનું જૂથ જ ઓ​રિ​જિનલ એનસીપી છે. તેમના દ્વારા એમ પણ કહેવાયું છે કે ચૂંટણી પંચે તેમની મહત્ત્વની રજૂઆતોને રદ કરી હતી. 

sharad pawar nationalist congress party ajit pawar maharashtra political crisis maharashtra news maharashtra mumbai news mumbai