03 October, 2024 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં ફૂટ પડ્યા બાદ કેન્દ્રીય ચૂંટણીપંચે અજિત પવારને પાર્ટીની સાથે પક્ષનું ચૂંટણી-ચિહ્ન ઘડિયાળ પણ ફાળવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે NCPના મૂળ સ્થાપક શરદ પવારે ચૂંટણીપંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં શરદ પવારના જૂથે દાવો કર્યો છે કે ‘ઘડિયાળ ચિહ્ન શરદ પવાર સાથે સંકળાયેલું છે, પણ આ ચિહ્ન અજિત પવારની પાર્ટીને ફાળવવામાં આવ્યું છે એને લીધે તેઓ મતદારોમાં ગૂંચવાડો ઊભો કરી રહ્યા છે. આથી મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવારની પાર્ટીને બીજું કોઈ ચૂંટણી-ચિહ્ન ફાળવવામાં આવે.’
આ અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાણની ખંડપીઠ સમક્ષ ૧૫ ઑક્ટોબરે હાથ ધરાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે NCPમાં ભાગલા પડ્યા બાદ કેન્દ્રીય ચૂંટણીપંચે પાર્ટી અને ચૂંટણી-ચિહ્ન અજિત પવારને ફાળવ્યાં હતાં. આ નિર્ણયને શરદ પવાર જૂથે પડકાર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે માર્ચ મહિનામાં લોકસભાની ચૂંટણીમાં અજિત પવારને NCP નામ અને ચૂંટણી-ચિહ્ન ઘડિયાળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.